Gujarat HeatWave : આકાશમાંથી વરસી અગ્નિવર્ષા, અમદાવાદમાં 45.5 ડિગ્રી ગરમી, જાણો કયાં શહેરમાં કેટલું નોંધાયુ તાપમાન
હવામાન વિભાગે, ભીષણ ગરમીની આગાહી કરી છે. જેમા ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં ભારે ગરમી પડવાની આગાહી કરી છે. પંજાબ, હરિયાણાના કેટલાક ભાગમાં પણ ગરમીનુ મોજૂ ફરી વળવાની આગાહી કરવામાં આવી છે. પર્વતીય પ્રદેશ એવા હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર પૈકી જમ્મુ ક્ષેત્રમાં કાળઝાળ ગરમીનુ મોજૂ ફરી વળવાની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા એક સપ્તાહથી કાળઝાળ ગરમીથી ત્રસ્ત થયેલા ગુજરાતને હજુ આગામી સપ્તાહે પણ ભીષણ ગરમીથી છુટકારો નહી મળે. આજે શુક્રવારે ગુજરાતની સૌથી વધુ ગરમી દાહોદમાં નોંધાઈ છે. દાહોદમાં ગરમીનો પારો 46.6 ડિગ્રીને પાર થયો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 45.5 ડિગ્રી ગરમી નોંધાઈ છે. તો, ડીસામાં 44.8 ડિગ્રી, રાજકોટમાં 42.7, સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી ગરમી નોંધાઈ છે. વડોદરામાં 44. અમરેલીમાં 43.8 ડિગ્રી ગરમી નોંધાઈ છે. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પડી રહેલ ગરમીનુ તીવ્ર મોજૂ આગામી સપ્તાહમાં પણ યથાવત રહેશે. દેશના પૂર્વ છેડે ત્રાટકી રહેલા વાવાઝોડાની પહેલા અને પછી વરસતા વરસાદની અસર પણ આ પ્રદેશોમાં જોવા નહીં મળે.
રાત્રીનું ઉચુ તાપમાન ચિંતાજનક
ગુજરાતના અનેક શહેરોમાં છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી ગરમીનો પારો 43 ડિગ્રીની ઉપર જ જળવાઈ રહ્યો છે. તો બીજી બાજૂ રાત્રીનું તાપમાન પણ રોજેરોજ નવો વિક્રમ બનાવી રહ્યુ છે. ગુજરાતના વિવિધ શહેરોમાં પણ રાત્રીનું તાપમાન પણ 28થી 32 ડિગ્રીની વચ્ચે રહેતુ આવ્યું છે. દિવસ અને રાત્રીના સતત ઊંચા તાપમાનને કારણે દિવસના ભેજના પ્રમાણમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિતના શહેરોમાં દિવસના ભેજનું પ્રમાણ ઘટીને 12 ટકા જેટલે પહોંચતા સમગ્ર જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે.
પશ્ચિમમાં હીટવેવ તો પૂર્વમાં વાવાઝોડુ-વરસાદ
બંગાળની ખાડીમાં આકાર પામેલ લો પ્રેશર હવે ડિપ્રેશનમાં ફેરવાઈને ડિપ ડિપ્રેશન અને ત્યાર બાદ વાવાઝોડા પરિવર્તીત થશે. બંગાળની ખાડીમાં સર્જાયેલ વાવાઝોડુ પશ્ચિમ બંગાળ અને બાગ્લાદેશમાં 100 કલાકથી વધુ ઝડપે પવન ફુકાશે અને કાંઠા વિસ્તારમાં વાવાઝોડુ ત્રાટકશે, તો બીજી બાજુ દેશના પશ્ચિમ ભાગમાં ભીષણ ગરમીનુ વાતાવરણ રહેશે. હાલમાં રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશમાં ભીષણ ગરમી પડી રહી છે.
ગુજરાતને હજુ નહી મળે રાહત
આગામી ચાર દિવસ ગુજરાતમાં ગરમીથી રાહત નહી મળે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ચાર દિવસ ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં કાળઝાળ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. ગુજરાતની સાથોસાથ પડોશી રાજ્ય રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે.
ગુજરાતમાં રાત્રીનું તાપમાન પણ ઉંચુ
ગુરુવારની રાત્રીએ, ગુજરાતના મોટાભાગના શહેરોમાં રાત્રીનું તાપમાન 29 ડિગ્રીની ઉપર નોંધાયું હતું. વડોદરા, ભાવનગર, દાહોદ, ગાંધીનગરમાં રાત્રીના લઘુત્તમ તાપમાનનો પારો 30 ડિગ્રીની ઉપર રહ્યો હતો. જ્યારે અમદાવાદ, ડીસામાં 29 ડિગ્રી તાપમાન રાત્રીનું નોંધાયું છે. અમરેલી, છોટા ઉદેપુર, દ્વારકા, ઓખા, સુરતમાં રાત્રીનુ તાપમાન 28 ડિગ્રીથી વધુ નોંધાયું છે.
હીટવેવની આગાહી
હવામાન વિભાગે, આજે ભીષણ ગરમીની આગાહી કરી છે. જેમા ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં ભારે ગરમી પડવાની આગાહી કરી છે. પંજાબ, હરિયાણાના કેટલાક ભાગમાં પણ ગરમીનુ મોજૂ ફરી વળવાની આગાહી કરવામાં આવી છે. પર્વતીય પ્રદેશ એવા હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર પૈકી જમ્મુ ક્ષેત્રમાં કાળઝાળ ગરમીનુ મોજૂ ફરી વળવાની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્રમાં અતિશય ગરમીનો અનુભવ થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યારે આસામ, કોંકણ અને ગોવામાં ગરમ અને ભેજવાળું વાતાવરણ પ્રવર્તે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.