યુવકનું ચલણ કાપનાર પોલીસ જ નિયમ તોડતી પકડાઈ, વીડિયો વાયરલ
મુંબઈની નજીક આવેલા થાણેના એસ્ટેટ વિસ્તારમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો. ટ્રાફિક પોલીસે એક યુવકને હેલ્મેટ વિના સ્કૂટર ચલાવતાં પકડીને દંડ ફટકાર્યો, પણ થોડા જ સમયમાં એ જ યુવકે પોલીસની ભૂલ પકડી અને પોલીસ પાસેથી પણ ચાર્જ વસૂલ કરાવ્યો.
મુંબઈની નજીક આવેલા ઠાણેના અંબિકાનગર વિસ્તારમાં બનેલી એક અનોખી ઘટના હાલ ચર્ચાનો વિષય બની ગઈ છે. ટ્રાફિક પોલીસે એક યુવકને હેલ્મેટ વિના સ્કૂટર ચલાવતા ઝડપીને દંડ ફટકાર્યો હતો. યુવકે પોતાની ભૂલ સ્વીકારી પણ બાદમાં તેને પોલીસની બેદરકારી નજરે ચઢી.
યુવકે જોયું કે એ જ ટ્રાફિક પોલીસ સ્ટાફે થોડા સમય પહેલા નંબર પ્લેટ વગરની એક્ટિવા જપ્ત કરી હતી, પરંતુ તે જ એક્ટિવા પર પોલીસનો જ એક કર્મચારી બેસેલો હતો અને તેને ટ્રાફિક ઓફિસ તરફ લઈ જતો હતો. આ દૃશ્ય જોઈને યુવકે તરત જ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. વીડિયોમાં તે પોલીસને પૂછતો દેખાય છે “જ્યારે તમે અમારું ચલણ કાપો છો, ત્યારે તમારી એક્ટિવા પર નંબર પ્લેટ ક્યાં છે?”
પ્રારંભમાં પોલીસે દલીલ આપી કે બાઈકને કાર્યવાહી માટે લઈ જવામાં આવી રહી છે, પરંતુ તપાસ બાદ જાણવા મળ્યું કે એ વાહન પોલીસના જ એક ઓળખીતાનું હતું અને તેના પર નકલી નંબર પ્લેટ તથા ખોટો પોલીસ લોગો લગાવવામાં આવ્યો હતો. બાદમાં ટ્રાફિક પોલીસ અધિકારી પંકજ શિરસાટે એ બાબતે યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઘટના પછી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે અને લોકો વચ્ચે ચર્ચા શરૂ થઈ છે કે નિયમનો ભંગ કરનાર પોલીસ હોય કે સામાન્ય નાગરિક, કાયદો સૌ માટે સમાન હોવો જોઈએ.

