Surat: અનોખી સરકારી શાળા જેમાં ડ્રો કરીને આપવો પડે છે વિદ્યાર્થીઓને પ્રવેશ

Surat : કોરોનાકાળમાં લોકોની આર્થિક સ્થિતિ નબળી પડી હોય ત્યારે વાલીઓ ખાનગી સ્કૂલમાંથી લિવિંગ સર્ટિફિકેટ લઈને સુરતની આ સરકારી શાળામાં બાળકને અભ્યાસ કરાવવા માટે લાઈનમાં ઉભા રહે છે.

Charmi Katira
| Edited By: | Updated on: Jun 17, 2021 | 4:36 PM

Surat: એક તો કોરોના મહામારી ચાલી રહી છે. કોરોનાકાળમાં ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે તો બીજી તરફ કોરોનાકાળમાં પણ ખાનગી શાળાઓએ માનવતા નેવે મુકીને ફીની ઉઘરાણી ચાલી રાખી હતી તો ઘણા વાલીઓ તેના બાળકોના ભવિષ્ય માટે ફી ભરતા હોય છે. પરંતુ શું તમે ક્યારે પણ સાંભળ્યું છે કે સરકારી શાળામાં (government school) એડમિશન લેવા માટે લાઈનો લાગે?

 

કોરોનાકાળમાં લોકોની આર્થિક સ્થિતિ નબળી પડી હોય ત્યારે વાલીઓ ખાનગી સ્કૂલમાંથી લિવિંગ સર્ટિફિકેટ લઈને સુરતની આ સરકારી શાળામાં બાળકને અભ્યાસ કરાવવા માટે લાઈનમાં ઉભા રહે છે. સુરતમાં એક જ બિલ્ડીંગમાં બે પાળીની શાળા ચાલે છે. જેમાં કુલ 1,600 વિદ્યાર્થીઓની સંખ્યા છે. પરંતુ આ વર્ષે પણ પ્રવેશ માટે 3,500થી વધુ વિદ્યાર્થીઓએ એડમિશન માટે ફોર્મ ભર્યા હતા. આ પૈકી ડ્રો કરીને પ્રવેશ આપવો પડી રહ્યો છે.

 

સુરતના ઉતરાણ વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ (મહાનગર પાલિકા) દ્વારા સંચાલિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા (Maharaja Krushnakumar Sinhji Primary school) ક્રમાંક 334 આવેલી છે. આ સરકારી શાળામાં આ વર્ષે પણ વિદ્યાર્થીઓના એડમિશન માટે વાલીઓએ પડાપડી કરી રહ્યા છે.

 

આ શાળાની ખાસિયતોની વાત કરવામાં આવે તો આ શાળામાં બાળકોને હાઈટેક શિક્ષણ આપવામાં આવે છે. રમવા માટે શાળામાં વિશાળ મેદાન પણ છે. બાળકોના સર્વાંગી વિકાસ અને અભ્યાસ કરાવવા માટે શિક્ષિત સ્ટાફની સુવિધા છે.

 

આ શાળામાં બાળકો ટીચરને સર કે મેડમ કહીને બોલાવતા નથી પણ તેઓ શિક્ષકને ગુરૂજી અથવા દીદી કહીને સંબોધે છે. વર્ષ દરમ્યાન મહિનામાં એક દિવસ એવો નક્કી કરવામાં આવે છે કે કોઈનો પણ જન્મદિવસ હોય તો તે દિવસે શાળાના તમામ વિદ્યાર્થીઓના પેરેન્ટ્સને બોલાવી એક હવન કરવામાં આવે છે. માતૃપિતૃ પૂજન, દાદા દાદી પૂજન જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા બાળકોને સારા સંસ્કારો મળે તે પ્રયત્નો શાળાના રહે છે. હવે સુરત મહાનગરપાલિકા પણ આ કોન્સેપ્ટ અન્ય શાળાઓમાં પણ અમલ કરવા જઈ રહી છે.

 

અહીં બાળકોને રમવા માટે જૂની પરંપરાગત રમતો પણ જીવંત રાખવામાં આવી છે. જેમ કે ભમરડા, લખોટી, લંગડી, ખોખો. આજના સમયમાં બાળકો મોબાઈલ અને કમ્પ્યુટરમાં રચ્યાપચ્યા હોય છે. તેઓ શારિરિક રમતોથી દુર થઈ રહ્યા છે. જેથી તેને જીવંત રાખવા આ રમતો શીખવાડવામાં આવે છે.

 

આ વર્ષે કોરોના હોવાથી આ શાળા દ્વારા વેકેશન પહેલાં જ ગુગલ ફોર્મ સોશિયલ મિડિયા મારફતે મોકલવામાં આવ્યા હતા. જે લિંકના આધારે લોકોએ ફોર્મ ભરીને પરત મોકલ્યા હતા પણ તે ફોર્મની સંખ્યા 3,500થી વધુ થઈ ગઈ હતી. આ વર્ષે 1,800ની સંખ્યા સામે 3,500થી વધુ ફોર્મ આવતા હવે શાળા દ્વારા ડ્રો કરીને પ્રવેશ આપવો પડયો છે.

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">