Maha Kumbh 2021: કોરોનાની ગંભીર પરિસ્થિતી વચ્ચે કુંભના આયોજન પર ભડક્યો સોનુ નિગમ, ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યો વીડિયો
કોરોનાના વધતાં સંક્રમણ વચ્ચે કુંભના આયોજનને લઇને બોલીવૂડના સ્ટાર્સ તરફથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. તો હવે સોનુ નિગમે એક વીડિયો શેયર કર્યો છે.
Maha Kumbh 2021 : દેશમાં વધી રહેલા કોરોનાના સંક્રમણ વચ્ચે કુંભના મેળામાં લાખો લોકો ભેગા થવા પર કેટલાક લોકો તેની આલોચના કરી રહ્યા છે તો કેટલાક લોકો હજી પણ તેના સમર્થનમાં આવી રહ્યા છે. તેવામાં હવે બોલીવૂડના પ્રસિદ્ધ ગાયક સોનુ નિગમે કુંભ મેળાના આયોજનને લઇને એક નિવેદન કર્યુ છે. પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેયર કરતા તેણે કહ્યુ છે કે આ મહામારી વચ્ચે કુંભ મેળાનું આયોજન થવુ ન જોઇતુ હતું.
વીડિયોમાં તે પોતાના પરિવારમાંથી કોઇના સંક્રમિત હોવાની વાત કરી રહ્યો છે અને જણાવે છે કે બીજા કોઇ વિશે તો કઇ કહી નથી શકતો પરંતુ હિંદુ હોવાને કારણે એટલુ જરૂર કહેવા માંગીશ કે કુંભ મેળાનું આયોજન થવુ જ ન જોઇતુ હતુ. પરંતુ સારી વાત એ છે કે થોડી અક્કલ આવી અને કુંભને પ્રતિકાત્મક કરવામાં આવ્યુ. હુ આસ્થાને સમજુ છું પરંતુ હાલમાં લોકોના જીવ કરતા કઇંજ વધારે જરૂરી નથી. સોનુ નિગમ વીડિયોમાં દરેકને પોતનું ધ્યાન અને કાળજી રાખવા માટે કહી રહ્યો છે.
View this post on Instagram
દેશ હમણાં કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. રોજના રેકોર્ડ બ્રેક કેસ નોંધાઇ રહ્યા છે. હજારો લોકોના મોત થઇ રહ્યા છે. હોસ્પિટલો કોવિડ 19 ના દર્દીઓથી ઉભરાઇ રહી છે. હાલત એટલી ગંભીર છે કે ઓક્સિજનની પણ અછત વર્તાઇ રહી છે. દર્દીઓને હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા. દેશની કેટલીક જગ્યાએ લોકડાઉન લાગુ કરવુ પડ્યુ છે સાથે જ મહારાષ્ટ્રમાં 15 દિવસનું મિની લોકડાઉન લગાવવામાં આવ્યુ છે.
કોરોનાની બીજી લહેર કેટલી ગંભીર છે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે માત્ર 12 દિવસમાં જ સંક્રમણનો દર બેગણો થઇ ચૂક્યો છે. આવા ગંભીર સમયમાં હરિદ્વારમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યુ. મીડિયા અહેવાલ મુજબ કુંભ મેળામાં ભાગ લેનાર લોકોમાંથી લગભગ 1700 થી વધુ લોકો હમણાં સુધીમાં કોરોના સંક્રમિત મળી આવ્યા છે. દેશભરમાં આલોચના બાદ આખરે પીએમ મોદીએ કુંભને પ્રતિકાત્મક કરવાના આદેશ આપી દીધા છે.
પરંતુ કુંભ મેળાના આયોજનને લઇને સામાન્ય લોકોથી લઇને કેટલાક સેલિબ્રીટીઓએ આલોચના કરી છે. ફિલ્મ નિર્દેશક રામ ગોપાલ વર્મા, ટીવી એક્ટર કરણ વાહી અને હવે ફેમસ સિંગર સોનુ નિગમે કુંભ મેળાને લઇને નિવેદન આપ્યુ છે અને કહ્યુ કે કુંભ મેળાનું આયોજન થવુ જ જોઇતું ન હતું.