અમદાવાદમાં કયા રસ્તા છે અકસ્માત માટે કુખ્યાત? પૂર્વ અને પશ્ચિમમાંથી પસાર થતા સાવધાન!
અમદાવાદ શહેરમાં અકસ્માતનો વધારો થઈ રહ્યો છે. જેને લઈ અમદાવાદ પોલીસે એક સર્વે કર્યો છે, અકસ્માત ઘટાડવા માટે થઈને આ પ્રયાસ કર્યો અને જેમાં ચોંકાવનારા તારણ સામે આવ્યા છે. વાહન ચાલકો દ્વારા દાખવવામાં આવતી બેદરકારીને લઈ અકસ્માત સર્જાય છે. જેમાં ખાસ કરીને કેટલાક વિસ્તારો તારવવામાં આવ્યા છે, જ્યાં અકસ્માતો વધારે નોંધાઈ રહ્યા છે.
અમદાવાદ શહેરમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ પણ યોજવામાં આવી છે, આમ છતાં વાહન ચાલકો પોતાની બેદરકારીને છોડી સલામત વાહન હંકારવા જાગૃતિ કેળવી રહ્યા નથી. જેના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવા પડે છે અને ઈજાગ્રસ્ત થતા મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ સૌથી વધારે અકસ્માતનું કારણ બન્યુ છે. ઓવરસ્પીડ પણ મુખ્ય કારણ બન્યુ છે. વર્ષ 2022 માં 1793 લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. જેમાં 488 લોકો મોતને ભેટ્યા છે. જેમાં 720 લોકોને ગંભીર ઈજા અને 585 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. ચાલુ વર્ષે નવેમ્બર માસ સુધીમાં 1693 લોકો અકસ્માતનો ભોગ બન્યા છે. જેમાં 480 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 642 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
શહેરના વાડજ સર્કલ, સત્તાધાર સર્કલ, નરોડા પાટીયા રાજીવ ગાંધી ભવન, હાઈકોર્ટ સામેનો બ્રિજ, ઈસ્કોન બ્રિજ, વસ્ત્રાલ ચાર સહિતના 10 થી 12 સ્પોટ અકસ્માત માટે જોખમી સ્થળ તરીકે ઓળખવામાં આવ્યા છે.