અમદાવાદ રિવરફ્રન્ટ પર શરૂ થનારી ફ્લોટિંગ રેસ્ટોરન્ટની શું છે ખાસિયતો, જુઓ Video
Ahmedabad: અમદાવાદની શાન ગણાતા રિવરફ્રન્ટ પર વધુ એક નજરાણુ ઉમેરાવા જઈ રહ્યુ છે. રિવરફ્રન્ટ પર શરૂ થઈ રહેલા ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પર મુલાકાતીઓ હવે ક્રુઝ કમ રેસ્ટોરન્ટની પણ મજા માણી શકશે
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર વધુ એક નજરાણું ઉમેરાવા જઈ રહ્યું છે. સરદારબ્રિજથી ગાંધી બ્રિજની વચ્ચે સાબરમતી નદીમાં વચ્ચે બેસી લોકો જમવાની મજા માણી શકશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી રહી છે. આગામી એપ્રિલ મહિનાના અંતમાં આ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. લોકો ફરવાના સ્થળની સાથે હવે ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા પણ રિવરફ્રન્ટ પર માણી શકાશે.
કેવી હશે ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ?
આ ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ બે માળની હશે. જેના પહેલા માળે એસી કેબિન અને બીજા માળે ઓપન સ્પેસ રહેશે. આ ક્રુઝમાં એક સાથે 150 લોકો સવાર થઈ શકશે. જ્યાં મનોરંજનની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જેમાં લાઇવ શો, મ્યુઝિક પાર્ટી, બર્થડે પાર્ટી, ઓફીસ મિટિંગ કે અન્ય ફંક્શન થઈ શકે તેવું આયોજન કરાયું છે. સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધીના એક રાઉન્ડ માટે દોઢ કલાકનો સમય થશે. જેના માટે આગામી દિવસમાં સરદાર બ્રિજ અને અટલ બ્રિજ વચ્ચે નદીમાં જેટી પણ તૈયાર કરવામાં આવશે. જ્યાંથી લોકો ક્રુઝમાં બેસી અને ઉતરી શકશે.
આ પણ વાંચો: અમદાવાદ રિવરફ્રન્ટ પર હવે સાઇકલિંગ કરવું પડશે મોંઘુ, ભાવમાં ચાર ગણો વધારો, એક કલાકનો આટલો ચાર્જ આપવો પડશે
આ પ્રોજેક્ટ અક્ષર ટ્રાવેલ્સને સોંપવામાં આવ્યો છે. જેની પાછળ અંદાજે 10 કરોડ જેટલો ખર્ચ થશે. ક્રુઝ ચલાવવા અક્ષર ટ્રાવેલ્સ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનને વર્ષે 45 લાખ રૂપિયા આપશે. આ ક્રુઝની ટિકિટ કેટલી રાખવી તે અંગેનો નિર્ણય અક્ષર ટ્રાવેલ કરશે