શેરાવાલીના હવનના સાક્ષી બન્યા વનરાજ, યજ્ઞ ચાલ્યો ત્યા સુધી ચુપચાપ બેસી રહ્યા સાવજરાજ- જુઓ Video
ગીરનાર એ અદ્દભૂત રહસ્યો અને ગાથાઓથી ભરેલો પ્રદેશ છે. અહીં હરહંમેશ કંઈક નવુ જોવા-જાણવા મળતુ રહે છે. કંઈક આવા જ દૃશ્યો વિજયાદશમીએ જોવા મળ્યા જ્યાં ગીરનારમાં ખોડિયાર માતાના મંદિરે યજ્ઞ ચાલી રહ્યો છે અને તેની દૂર આવીને બેસી ગયા છે સાવજ રાણા.
ભક્તિમાં એવી શક્તિ છે કે જે હિંસક જીવોને પણ શાંત કરી દે અને તેની જ સાબિતી આપતા દ્રશ્યો જુનાગઢમાંથી સામે આવ્યા છે. ગિરનાર પર્વત પર આવેલ ખોડિયાર માતાજીના વિજયાદશમીના યજ્ઞનું આયોજન કરાયું હતું. અને દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે તેમ યજ્ઞ સ્થળની નજીક જ સાવજે આવીને ધામા નાખી દીધાં. જંગલના DCF પાસેથી મળતી માહિતી મુજબ દશેરાનો યજ્ઞ ચાલી રહ્યો હતો ત્યારે ત્રણ સિંહ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને પછી મંત્રોચ્ચાર સાંભળીને યજ્ઞકુંડની નજીક જ બેસી ગયા. જ્યાં સુધી યજ્ઞ ચાલતો રહ્યો ત્યાં સુધી સાવજ ત્યાંથી હલ્યા સુદ્ધા નહીં. યજ્ઞ કરી રહેલા કર્મકાંડી બ્રાહ્મણોએ પણ ગભરાયા વિના તેમનું કર્મ ચાલું રાખ્યું.
જેવો યજ્ઞ પૂર્ણ થયો તેવા જ સાવજ ત્યાંથી ઊભા થઈને આગળ વધી ગયા. જાણે આદ્યશક્તિની “મા શેરાવાલી”ની ઉપાસના કરવા જ “શેર” મંદિર નજીક પહોંચ્યા હતા. હાલ સાવજ દ્વારા “શક્તિ”ની ભક્તિનો આ વીડિયો સો. મીડિયામાં વાયરલ થયો છે. બીજી તરફ વનવિભાગના અધિકારીએ પણ સ્પષ્ટતા કરી કે, આ વીડિયો ધ્યાનમાં આવતા તપાસ કરાઈ અને સિંહોને કોઈ હેરાનગતિ કે પજવણી કરાઈ નહોતી.