ભરતી પરીક્ષામાં પેપરલીક કાંડને રોકવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે. આગામી સત્રમાં આ અંગે કડક કાયદો લાવવામાં આવશે. રાજ્ય સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલજણાવ્યું કે પેપર ચોરી જેવા ગુનાઓ રોકવા માટે સરકાર કડક કાયદો લાવશે. જુનિયર ક્લાર્કની રદ થયેલી ભરતી પરીક્ષા આગામી 100 દિવસમાં લેવાશે. પરીક્ષા પદ્ધતિમાં રહેલી ખામીઓને પણ દૂર કરાશે.
ઉલ્લેખનીય છે કે જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયા બાદ કડક કાયદાની માંગ થઈ રહી છે. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ ગુજરાત સ્ટેટ લૉ કમિશને રાજ્ય સરકારમાં સબમિટ કરેલ રિપોર્ટ જારી કરતા રાજ્ય સરકારની ઈચ્છાશક્તિ પર પ્રશ્નો સવાલ ઉઠાવ્યા છે. રિપોર્ટમાં પેપરલીક ઘટનાઓ અટકાવવા માટે કડક કાયદાની ભલામણ કરવામાં આવી છે.
રિપોર્ટની વાત કરવામાં આવે તો સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરલીક અંગે ગુજરાતમાં કડક કાયદાની ભલામણ કરવામાં આવી છે. રિપોર્ટમાં જે ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યા છે કે પેપર લીક થવા પાછળનું એક કારણ રાજ્ય સરકારમાં પ્રભાવશાળી લોકોની સંડોવણીને કારણે ભ્રષ્ટાચાર હોઈ શકે છે પરંતુ કમનસીબે, તેઓ ક્યારેય પકડાતા નથી. આવા કેસમાં મોટા માથાઓ પકડાતા નથી અને મોટાભાગે સામાન્ય માણસ પકડાય છે. આ સિવાય જ્યારે પેપર લીક ની ઘટના સામે આવે ત્યારે સરકારની કામગીરી પર પ્રશ્નો ઊભા થાય છે અને છબી ખરડાય છે. પેપર ફ્રોડ ના કેસમાં કડકમાં કડક પગલાં ભરવા જોઈએ તેમજ ગુજરાતમાં પેપર લીક અંગે કડક કાયદાની જરૂર હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.