વલસાડમાં માવઠાના મારથી ડાંગરના પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો પાયમાલ – જુઓ Video
છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે. વલસાડમાં માવઠાના મારને કારણે ડાંગરને વ્યાપક નુકસાન થતા ખેડૂતોને પાયમાલ થવાની કગાર પર પહોંચી ગયા છે અને નુકસાની એટલી મોટી છે કે કોઈ સરકારી સહાયથી પણ ભરપાઈ થઈ શકે તેમ નથી.
ગુજરાતના ખેડૂતોની છેલ્લા કેટલાય વર્ષોથી જાણે માઠી દશા બેઠી છે. તેમા પણ વિશેષ રૂપે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને દર વર્ષે મોસમનો માર સહન કરવો પડે છે, જેના કારણે દરેકે દરેક સિઝનમાં તેમને વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવે છે. આ વર્ષે પણ કમોસમી વરસાદનો એવો માર પડ્યો છે કે ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે. ચોમાસા દરમિયાન લીલા દુષ્કાળની સ્થિતિ, ત્યારબાદ વાવાઝોડુ અને હવે માવઠાએ ખેડૂતોને રડવા મજબુર કર્યા છે. જગતના તાત પર કુદરત જાણે રૂઠી હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
વલસાડ જિલ્લામાં જ્યાં ખેડૂતોએ ડાંગરના પાકનું મોટાપાયે વાવેતર કર્યું હતું પરંતુ, સતત વાતાવરણમાં પલટાના કારણે ચાલુ વર્ષે જિલ્લામાં 90 ટકાથી વધુ ડાંગરના પાકમાં નુકસાની થઈ છે. એક આંકડા પ્રમાણે, 75 હજાર હેકટરથી વધુ ડાંગરના પાકમાં નુકસાની થતાં ડાંગર પકવતા ખેડૂતો પાયમાલ થયા છે.
ડાંગરના તૈયાર પાકની લણણીનો સમય થયો હતો ત્યાં જ કમોસમી વરસાદ ખાબક્યો અને ડાંગરનો પાક પાણીમાં તરબોળ થઈ ગયો. આ પાણી ખેતરોમાં ભરાઈ રહેવાના કારણે ડાંગરના પાકમાં સડો લાગી ગયો. એટલું ઓછું હોય તેમ નવું ધરૂ ઊગી નીકળ્યું છે. ખેડૂતોના મતે, હવે આ ડાંગરના પાકમાં કંઈ લેવા જેવી પરિસ્થિતિ નથી. ખેડૂતો જણાવી રહ્યા છે કે, ખેતરમાં ટ્રેક્ટર ફેરવવા સિવાય કોઈ ઉપાય તેમના પાસે નથી રહ્યો. કમોસમી વરસાદે ડાંગરના પાકનો સોથ બોલાવી દીધો છે. ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે, અગાઉ સરકારે આદેશ કર્યા, છતાં સર્વેની કામગીરી નથી કરાઈ. ત્યારે, ખેડૂતો હવે સરકાર પાસે સહાયની મીટ માંડની બેઠા છે.