Breaking News : બ્રિજ પર ગ્રીલ નહીં, મોતની સીધી એન્ટ્રી ! સુરત મહાનગરપાલિકાની બેદરકારી બની જીવલેણ
તાજેતરમાં ઉત્તરાયણના દિવસે જીલાની બ્રિજ પરથી વાહન નીચે પટકાતા ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા. આ ઘટના બાદ પણ તંત્ર દ્વારા કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી.
સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની ગંભીર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. શહેરના અનેક મહત્વના બ્રિજ પર વળાંકના ભાગોમાં સુરક્ષા માટે જરૂરી ગ્રીલ લગાવવામાં આવી નથી, જેના કારણે વાહનચાલકો માટે જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ગ્રીલના અભાવે અકસ્માત સમયે વાહનો સીધા બ્રિજ પરથી નીચે પટકાઈ રહ્યા છે અને નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે.
તાજેતરમાં ઉત્તરાયણના દિવસે જીલાની બ્રિજ પરથી વાહન નીચે પટકાતા ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા. આ ઘટના બાદ પણ તંત્ર દ્વારા કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી. અગાઉ મજુરાગેટ બ્રિજ પર પણ આવી જ ઘટના બની હતી, જેમાં એક વાહનચાલક બ્રિજ પરથી ઉછળીને નીચે પટકાયો હતો. આ બંને બનાવોએ શહેરની બ્રિજ સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
બ્રિજ પર ગ્રીલ ન હોવાને કારણે થાય છે અકસ્માત
શહેરમાં વધતી ટ્રાફિક અને ઝડપને ધ્યાનમાં રાખીને બ્રિજ પર ગ્રીલ હોવી અત્યંત જરૂરી છે. ખાસ કરીને વળાંકવાળા બ્રિજ પર ગ્રીલ ન હોવાને કારણે નાનકડો અકસ્માત પણ મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકે છે. સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરો દ્વારા મહાનગરપાલિકાને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી યોગ્ય કાર્યવાહી થતી દેખાતી નથી.
હવે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સુરતના તમામ બ્રિજ પર તાત્કાલિક ધોરણે સુરક્ષા ગ્રીલ લગાવવાની માગણી ઉઠી રહી છે. જો સમયસર પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં વધુ દુર્ઘટનાઓ થવાની ભીતિ સેવાઈ રહી છે. હવે જોવું રહ્યું કે મહાનગરપાલિકા આ જીવલેણ બેદરકારી પર ક્યારે કાર્યવાહી કરે છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
