બેરણામાં વિશાળ શિવ પ્રતિમા સમક્ષ સવા મણ રુના દિવાની જ્યોત પ્રગટાવાઈ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના બેરણામાં કંટાળેશ્વર હનુમાનજી મંદિરે આજે સહસ્ત્રલિંગ 51 ફૂટ શિવજીની પ્રતિમા આગળ 20 માં વર્ષે સવા મણ રૂ ની દિવેટ વિશ્વ શાંતિ માટે પ્રગટાવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દિવેટમાં ઘી ની આહુતિ આપી દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
બેરણામાં આવેલ કંટાળેશ્વર હનુમાનજી મંદિરના પ્રાંગણમાં મહાશિવરાત્રીને શુક્ર્વારે સવારે 1008 લિગ વાળી સહસ્ત્રલિંગ શિવજીની 51 ફૂટ ઉંચી પ્રતિમા આગળ સવા મણ રૂ ની દિવેટ બનાવવામાં આવી હતી. આ દિવેટનું હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા અને યજમાનો ના હસ્તે પૂજન અર્ચન કરીને દિવેટ પ્રગટાવવામાં આવી હતી. ત્યારબાદ સૌ ભક્તો રૂ ની દિવેટમાં ઘીની આહુતિ આપી હતી.
આ પણ વાંચો: બનાસકાંઠાઃ નર્મદા કેનાલ આધારિત થરાદ સીપુ પાઈપલાઇન યોજના વડે તળાવો ભરાશે
બેરણા ગામમાં કંટાળેશ્વર હનુમાનજી મંદિરમાં છેલ્લા 20 વર્ષથી રૂ ની દિવેટ યજમાનોના હસ્તે દર શિવરાત્રીએ પ્રગટાવવામાં આવે છે જે રૂ ની દિવેટ માં દિવસ દરમિયાન બેરણા સહીત ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને દિવેટ માં ઘીની આહુતિ આપવામાં આવે છે જેને લઈને 15 કિલો ઘી વપરાય છે. 51 ફૂટ ઉંચી સહસ્ત્રલિંગ શિવજીની પ્રતિમા આગળ દિવેટ પ્રગટાવી ભગવાન શિવને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. બેરણામાં કંટાળેશ્વર હનુમાનજી મંદિરે મહાશિવરાત્રીએ આવતા ભક્તો પણ આ સ્થળે આવીને દિવેટમાં ઘી ની આહુતિ આપીને ધન્યતા અનુભવે છે. આ સ્થળ પર આવતા કુદરતના ખોળે આવ્યા હોય તેવી અનુભૂતિ થાય છે અને મનને શાંતિ મળે છે.