જૂનાગઢમાં થયેલ ધમાલમાં NCPના કોર્પોરેટર અને તેના પુત્રની સામે આવી સંડોવણી, બન્ને વિરૂદ્ધ થઈ પોલીસ ફરિયાદ
Junagadh: મેજવડી ગેટમાં આવેલી દરગાહના દબાણ મુદ્દે નોટિસ આપવા મામલે થયેલા ઘર્ષણમાં NCPના કોર્પોરેટરની પણ સંડોવણી સામે આવી છે. હાલ પોલીસે બંને પિતા પુત્ર સામે ફરિયાદ દાખલ કરી છે. જો કે જાણકાર સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર મનપા નોટિસ બજવે તે પહેલા જ દરગાહની નોટિસ નીકળી હોવાની વાત મનપા જ કોઈ કર્મીએ લીક કરી હતી.
જૂનાગઢના મજેવડી ગેટમાં આવેલી દરગાહને મહાનગરપાલિકાએ નોટિસ આપ્યા બાદ તોફાન ઘર્ષણ થવા મુદ્દે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પોલીસ તપાસમાં NCP કોર્પોરેટર અને તેના પુત્રની સંડોવણી હોવાનો ખૂલાસો થયો છે. કોર્પોરેટર અદ્રેમાન પંજા અને તેના પુત્રનું નામ તોફાનમાં સામે આવ્યુ છે. જેથી પોલીસે બંને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. તોફાન પાછળ બંને પિતા-પુત્રનો શું રોલ હતો તે દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહી છે.
શું પથ્થરમારો પૂર્વ આયોજિત કાવતરૂ હતો ?
નોટિસ મામલે થયેલો પથ્થરમારો પૂર્વ આયોજિત કાવતરૂ હોવાની વાતને પોલીસે ફગાવી છે. પોલીસના જણાવ્યા મુજબ અત્યાર સુધીની તપાસમાં તોફાન પૂર્વ આયોજિત કાવતરૂ હોય તેવુ સામે આવ્યુ નથી છતા તે દિશામાં તપાસ કરી રહ્યા છે. પોલીસે સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકનાર શખ્સની પણ અટકાયત કરી છે. અત્યાર સુધીમાં કુલ 59 આરોપીની ધરપકડ કરાઈ છે.
- જો કે જે પ્રકારની વિગતો સામે આવી રહી છે તેને જોતા જૂનાગઢમાં થયેલા તોફાનો પૂર્વ આયોજિત કાવતરા તરફ જ ઈશારો કરી રહ્યા છે.
- જો અગાઉથી તૈયારી ન હતી તો જ્યાં કાકરી પણ જોવા મળતી નથી તે દરગાહની આસપાસના વિસ્તારમાં ડમ્પરો ભરીને પથ્થરો ક્યાંથી આવ્યા?
- જો આગોતરુ આયોજન ન હતુ તો તોફાનો દરમિયાન બહારગામથી તોફાની તત્વો કેવી રીતે ઘડીના છઠ્ઠા ભાગમાં પહોંચી ગયા ?
- નોટિસ આપ્યાની ગણતરીની મિનિટોમાં જ છેક વિસાવદરના નાના ગામડામાંથી તત્વો જૂનાગઢ કેવી રીતે પહોંચી ગયા ?
- નોટિસની બજવણીની વાત પણ કોર્પોરેશનના કોઈ કર્મી દ્વારા જ લીક થઈ હોવાની સૂત્રો દ્વારા વિગતો મળી રહી છે. નોટિસ તૈયાર થઈ રહી હતી અને બજવણી પણ કરાઈ ન હતી એ પહેલા તોફાની તત્વોને મેસેજ મળી ગયા હતા કે દરગાહની નોટિસ નીકળવાની છે તો આ વાત લીક કરનાર કોણ હતા ?
આ પણ વાંચો : Junagadh : પોલીસ સાથેની ઘર્ષણની ઘટનામાં પોલીસે 174 લોકોને રાઉન્ડઅપ કર્યા
વાત લીક થઈ તેમા જ તોફાની તત્વોને સમય મળી ગયો અને જ્યારે મનપાની ટીમ નોટિસ ચોંટાડવા ગઈ ત્યારે પણ ટીમને રોકી રાખવામાં આવી હોવાનુ જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે.
જુનાગઢ જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો