સુરેન્દ્રનગરના સાયલામાં વીજ કંપનીના ત્રાસથી લોકોએ ગળેફાંસો ખાવાની ઉચ્ચારી ચીમકી, જાણો કારણ
શું સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં PGVCL દાદાગીરી કરી રહ્યું છે? શું PGVCLના અધિકારીઓ ગ્રામજનોને પરેશાન કરી રહ્યા છે ? આ સવાલો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે વીજ કંપનીના ત્રાસથી હવે લોકો ગળેફાંસો ખાવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. આ અંગે જ્યારે વીજ કંપનીના મુખ્ય ઈજનેરને પૂછવામાં આવ્યું તો તેમણે પણ કબૂલાત કરી કે જે લોકોને નોટિસ અપાઈ છે.
સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં વીજ કંપનીએ લોકો પર વીજચોરીના ખોટા આરોપસર લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો હોવાની ઘટના સામે આવી છે. ગત 16 ઓક્ટોબરે સાયલા તાલુકાના ધાંધલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કંપનીએ ખેત વપરાશના કનેક્શન અંગે ચેકિંગ કર્યું હતું અને કોઈપણ પુરાવા વિના 14 લોકોને કસૂરવાર માની લઈને લાખોનો દંડ ફટકાર્યો છે. જે લોકોને દંડ ફટકારાયો છે તેમાંના ઘણા લોકો તો ખેડૂત ખાતેદાર જ નથી.
જ્યારે ઘણા લોકોના ખેતર વીજ ટ્રાન્સફોર્મરથી ઘણા દૂર છે. PGVCLએ ખોટી રીતે કાર્યવાહી કરી હોવાનો સૌથી મોટો પુરાવો તો એ છે કે, જે વીજ ટ્રાન્સફોર્મરમાંથી ચોરી થયાનું દર્શાવાયું છે, તે વીજ ટ્રાન્સફોર્મર સરકારી ચોપડે છેલ્લા બે મહિનાથી બંધ હાલતમાં છે. તેમ છતાં લોકો પર ખોટી રીતે દંડ ફટકારવામાં આવતાં ગ્રામજનોએ PGVCLની કચેરી પર ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
સાયલા તાલુકામાં PGVCLની કનડગતનો વધુ એક પુરાવો લોકોને પાઠવેલી નોટિસમાં પણ જોવા મળ્યો. દરેકને નોટિસ તો અલગ-અલગ અપાઈ છે. પરંતુ તેમાં દર્શાવેલો ફોટો એક સરખો છે. એટલે કે જેતે વ્યક્તિએ વીજચોરી કરી હોવાના કોઈ પુરાવા નથી.
આ પણ વાંચો : વીડિયો: સુરેન્દ્રનગરના ધોરીયા ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા, લાખોનો મુદ્દામાલ કબ્જે
આ અંગે જ્યારે વીજ કંપનીના મુખ્ય ઈજનેરને પૂછવામાં આવ્યું તો તેમણે પણ કબૂલાત કરી કે જે લોકોને નોટિસ અપાઈ છે તેમની સામે ગામના જ શખ્સે ફરિયાદ કરી હતી અને નોટિસ પણ ફરિયાદમાં લખેલા નામના આધારે જ આપવામાં આવી છે. એટલે કે પુરાવાના આધારે નહીં પણ ફરિયાદના આધારે લોકોને ગુનેગાર માનીને વીજચોરીનો દંડ ફટકારવામાં આવ્યો છે.