SPGના અધ્યક્ષ લાલજી પટેલે PM નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર, પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા માગ
લાલજી પટેલે (Lalji Patel) પીએમ મોદીને લખેલા પત્રમાં ત્રણ માગ કરવામાં આવી છે. પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવામાં આવે. બીજી પણ કેટલીક માગણીઓ પુરી કરવા માગ કરી છે.
સરદાર પટેલ ગ્રુપના (Sardar Patel Group) અધ્યક્ષ લાલજી પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Prime Minister Narendra Modi) પત્ર લખ્યો છે. લાલજી પટેલે (Lalji Patel) પીએમ મોદીને લખેલા પત્રમાં ત્રણ માગ કરવામાં આવી છે. પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવામાં આવે. છેલ્લા સાત વર્ષથી કેસ પરત ખેંચવા માગ છતાં હજી કેસ પરત નથી ખેંચાયા. તો સાથે જ લખ્યું છે કે શહીદોના પરિવારોને યોગ્ય વળતર અને એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે. સાથે સાથે પીએમ મોદી વહેલી તકે એસપીજીને મળવાનો સમય આપે તેવી પણ માગ કરવામાં આવી છે.
માગણીઓ વહેલી તકે પુરી કરવા માગ
લાલજી પટેલે જણાવ્યુ છે કે સાત વર્ષના સમયગાળા દરમિયાન ત્રણ ત્રણ મુખ્યમંત્રી બદલાઇ ગયા, ત્રણ ત્રણ પ્રદેશ અધ્યક્ષ પણ બદલાઇ ગયા છતા આ કેસોનું નિરાકરણ લાવવામાં આવતુ નથી. સરદાર પટેલ ગ્રુપ ( SPG) , પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાઓના આગેવાનો અને ગુજરાતના કેટલાક સાંસદો દ્વારા મુખ્યમંત્રીને આ અંગે રજુઆત કરવામાં આવેલી છે. તો પણ સાત વર્ષમાં આ પ્રશ્નનો નિકાલ નથી આવ્યો. જેથી SPG દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે. લાલજી પટેલે જણાવ્યુ કે, અમારી આ સામાન્ય માગણીઓ વહેલીમાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી અમે પત્રમાં રજુઆત કરી છે.
