અમદાવાદમાં ફરી સર્જાયા ટ્રાફિકજામના દૃશ્યો, બોપલથી ગાંધીનગર સુધીના 20 કિમીના રસ્તા પર ખડકાયા વાહનોના થપ્પેથપ્પા

અમદાવાદમાં ફરી સર્જાયા ટ્રાફિકજામના દૃશ્યો, બોપલથી ગાંધીનગર સુધીના 20 કિમીના રસ્તા પર ખડકાયા વાહનોના થપ્પેથપ્પા

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2024 | 11:21 PM

અમદાવાદમાં ફરી મહા ટ્રાફિજામના દૃશ્યો સામે આવ્યા છે. અમદાવાદના એસપી રિંગ રોડથી ગાંધીનગર સુધી ભારે ટ્રાફિકજામના દૃશ્યો સામે આવ્યા છે. જેમા હજારો વાહનોની કતારો લાગેલી જોવા મળી. છેલ્લા ત્રણ ચાર કલાકથી આ ટ્રાફિકજામ સર્જાયો છે. લોકો ના તો આગળ જઈ શકે છે ના તો પરત ફરી શકે છે. કલાકોથી ટ્રાફિકમાં લોકો ફસાયા છે.

અમદાવાદમાં બોપલથી ગાંધીનગર સુધી મહાટ્રાફિકજામ સર્જાયો છે. એસપી રિંગ રોડથી 20 કિલોમીટર સુધી હજારો વાહનોની લાઈનો લાગી છે. છેલ્લા ત્રણ કલાકથી લોકો ફસાયા છે. ટ્રાફિક પોલીસની અનિયમિતતા અને અનુપસ્થિતિના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. પિક અવર્સ દરમિયાન ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમનને લઈને જે નિયમિતતા દાખવવી જોઈએ તે કદાચ દાખવતી નથી જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે.

લગ્નસરાની સિઝન અને આસપાસમાં પાર્ટી પ્લોટના કારણે ટ્રાફિકજામ સર્જાયો

બોપલથી રિંગરોડ તરફ જવાના રસ્તે કલાકો સુધી ટ્ર્રાફિકજામ સર્જાયો, જેમા હજારો વાહનચાલકો ફસાયા હતા. સાંજના સમયે ઓફિસેથી અને વેપાર ધંધાએથી પરત ફરી રહેલા લોકો ભારે ટ્રાફિકજામમાં ફસાયા હતા. એકતરફ લગ્નની સિઝન અને આસપાસ પાર્ટી પ્લોટ હોવાને કારણે મોટી સંખ્યામાં લગ્ન સમારંભોમાં આવેલા મહેમાનોને કારણે વાહનોનો જમાવડો વધ્યો હતો. જો કે સામાન્ય દિવસોમાં પણ આ રોડ પર સાંજના સમયે મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થતી હોય છે. ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાયા બાદ લોકોએ ટ્રાફિક પોલીસને જાણ કરતા અધિકારીઓ અને સ્થાનિક પોલીસના જવાનો અહીં દોડી આવ્યા હતા અને ટ્રાફિક ક્લિયર કરવાની જહેમતમાં લાગ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: વિશાલાથી નારોલ સર્કલ રોડ પર સર્જાયો ભારે ટ્રાફિક જામ, હજારો વાહનચાલકો કલાકો સુધી અટવાયા- જુઓ વીડિયો

કલાકો સુધી ટ્રાફિક વિભાગ પણ ટ્રાફિક ક્લિયર ન કરાવી શક્યુ

સાંજનો સમય હોવાને કારણે તેમજ મોટી સંખ્યામાં વાહનો જમા થઈ ગયા હોવાથી કલાકો સુધી આ ટ્રાફિક ક્લિયર થઈ શક્યો ન હતો. જેના કારણે લોકોને ભારે અગવડનો સામનો કરવો પડ્યો હતો. હજુ થોડા દિવસ પહેલા 25 જાન્યુઆરીએ વિશાલાથી નારોલ સર્કલ રોડ પર આ જ પ્રકારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમા પણ હજારો વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા. ત્યારે પણ સાંજના સમયે કલાકો સુધી ડમ્પિંગ સાઈડ નજીક જ ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Input Credit- Yunus Gazi- Ahmedabad

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Feb 02, 2024 11:16 PM
g clip-path="url(#clip0_868_265)">