રાજકોટના બનાવ બાદ હવે રહી રહીને અન્ય શહેરોમાં પણ તપાસનો સીલસીલો ચાલુ થયો છે.. અમદાવાદ મહાનગર પાલિકાએ 34 યુનિટની તપાસ કરી હતી. તેમાં સામે આવ્યું છે કે, 6 યુનિટ પાસે ફાયર NOC કે BU પરમિશન છે જ નહીં. વળી જેમની પાસે મંજૂરી છે, તેઓ પણ યોગ્ય સુવિધા આપતા નહીં હોવાનું પણ ક્યાંક જણાઈ આવ્યું. આ કાર્યવાહીને આધારે એક SOP બનાવાઈ છે. જે મુજબ હવે દર મહિને 1 વખત તપાસ કરવાની રહેશે. સાધનો પણ દર મહિને એક વખત ચકાસવાના રહેશે. જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થાય છે, ત્યાં પણ દર 3 મહિને એકવાર તપાસ થશે. જેમાં ગેમઝોન ઉપરાંત, થિયેટર, મોલ, હોસ્પિટલ સહિતના સ્થળોનો સમાવેશ કરાશે. AMCનો દાવો છે કે તપાસ બાદ જે ઓર્ડર કર્યા હશે ત્યા જો તપાસ નહીં કરી હોય તો જે-તે વોર્ડ ઈન્સ્પેક્ટર, ફાયર કર્મચારી સામે પગલાં લેવામાં આવશે.
રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ અમદાવાદના દરેક ગેમ ઝોનની નિયમિત ચકાસણી કરવા માટે મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસને આદેશ કર્યો છે. ફાયર બ્રિગેડ દ્વારા દરેક ગેમ ઝોનની દર મહિને ચકાસણી કરવા અને દર ત્રણ મહિને મોકડ્રીલ કરવા સૂચના આપી છે. આ ઉપરાંત ફાયર વિભાગ દ્વારા ગેમઝોનની દર મહિને તારીખ 1 થી 5 સુધીમાં યુનિટ દ્વારા ફાયર સંબંધિત તમામ શરતોનું પાલન થાય છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે.આ બાબતે કોઈ અનિયમિતતા સામે આવશે તો તાત્કાલિક જરૂરી કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 6:37 pm, Tue, 28 May 24