હવામાન વિભાગની ચોમાસાને લઈને આગાહી, આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની વકી- VIDEO
રાજ્યમાં ચોમાસાની અને સાર્વત્રિક વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે. ગુજરાતમાં ચોમાસુ તો બેસી ગયુ છે પરંતુ છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ચોમાસામાં મુશળધાર કહી શકાય એ પ્રકારનો સાર્વત્રિક વરસાદ હજુ પડ્યો નથી. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને આ આગાહી કરી છે.
ગુજરાતમાં વિધિવત રીતે તો ચોમાસુ બેસી ગયુ છે પરંતુ આ ચોમાસુ હાલ નવસારીમાં જ રોકાઈ ગયુ હોય તેવુ લાગી રહ્યુ છે. કેમકે નવસારીમાં ચોમાસુ અઠે કરીને એવું બેસી ગયું છે કે ત્યાંથી આગળ જ નથી વધી રહ્યું. જોકે આગામી 48 કલાકમાં ગુજરાતમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગ દ્નારા આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ દાહોદ, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલમાં ભારે વરસાદની પડવાની શક્યતા છે. આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થવાની વકી છે. આજે અને કાલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. પવનની ગતિ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, 22મી જૂનથી 29મી જૂન સુધીમાં ચોમાસું રાજ્યમાં દરેક જિલ્લામાં પહોંચી જશે. એટલે કે 20થી 30મી જૂન દરમિયાન સાર્વત્રિક વરસાદનુ અનુમાન છે. આ તરફ સૌરાષ્ટ્ર તરફ અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે.
આ તરફ વલસાડમાં વરસાદી માહોલ યથાવત્ છે. શહેરમાં મોડી રાત્રે અને સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. એક કલાકમાં 1.38 ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તાર પાણી પાણી થઇ ગયા હતા. એમ.જી.રોડ, ખત્રીવાડ, છીપવાડ, દાણાબજાર, છીપવાડ અંડર પાસ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયા. કપરાડામાં તો એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. સ્વાભાવિક જ નગરપાલિકાએ કરેલી લાખો રૂપિયાની પ્રિમોન્સૂન કામગીરી ફોગટ સાબિત થઈ.