Surat : લિંબાયત વિસ્તારમાં ભંગાર અને યાર્નના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, કુલ 126 સ્થળ પર લાગી હતી આગ, જુઓ Video
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં ભંગાર અને યાર્નના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. મહાપ્રભુનગરની સામે આવેલા પતરાના ભંગારના ગોડાઉનમાં આગનો કોલ મળતા જ ફાયર વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું.
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં ભંગાર અને યાર્નના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. મહાપ્રભુનગરની સામે આવેલા પતરાના ભંગારના ગોડાઉનમાં આગનો કોલ મળતા જ ફાયર વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ડીંડોલી અને ડુંભાલ ફાયર સ્ટેશનની કુલ ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરની ટીમોએ યુદ્ધના ધોરણે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, આ ગોડાઉનમાં ભંગાર અને યાર્ન જેવો સામાન મોટી માત્રામાં સંગ્રહિત હતો, જેના કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા, જેને લઈને આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, ફાયર વિભાગની સમયસરની કામગીરીના કારણે ગણતરીના સમયમાં જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. હાલ ઘટનાસ્થળે કુલિંગની કામગીરી પ્રગતિમાં છે જેથી ફરીથી આગ ભભૂકી ન ઊઠે.
આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. જોકે, ઘટનાસ્થળ પર હાજર લોકો અને ફાયર વિભાગના પ્રાથમિક અનુમાન મુજબ, ગોડાઉનની પાછળ આવેલા ટ્રાન્સફોર્મરમાં શોર્ટસર્કિટ થવાથી આગ લાગી હોવાની શક્યતા છે. સંવાદદાતા મેહુલ દ્વારા અપાયેલી માહિતી અનુસાર, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, જે રાહતની વાત છે. તેમ છતાં, ભંગાર ગોડાઉનના માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
આગ પર કાબૂ મેળવી લેવાયા બાદ આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ફાયર વિભાગ દ્વારા ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સાવચેતીના પગલાં લેવા અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જો કે સુરત શહેરમાં 126 સ્થળોએ બની આગની ઘટના સામે આવી છે.
