બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાન સભાની પેટાચૂંટણી નવેમ્બર મહિનામાં યોજાવવાની છે. ત્યારે બનાસકાંઠાના અમીરગઢ પાસેની માવલ ચેકપોસ્ટ પાસેથી રોકડ ઝડપાવાની ઘટના સામે આવી છે. 7 કરોડથી વધુ રોકડ સાથે મહેસાણાના 2 શખ્સ ઝડપાયા હતા. હવાલા નેટવર્કથી રોકડની હેરફેર થતી હોવાની આશંકા છે. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.આરોપીઓને કાર અને હવાલાના નાણાં દિલ્લીના ધોળાકુવામાં અપાયા હતા.
ઝડપાયેલા આરોપીઓએ અમદાવાદમાં કાર અને નાણાંની ડિલિવરી કરવાની હોવાનો ખુલાસો કર્યો હતો. કારમાં ચાલકની સીટ અને તેની બાજુની સીટની નીચે રુપિયા સંતાડ્યા હતા. આબુ રોડના રિકો પોલીસની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી મળેલી રોકડ અંગે આવકવેરા વિભાગને પણ જાણ કરવામાં આવી છે. રાજ્સ્થાન પોલીસે ઝડપાયેલી કાર અને આરોપીને રિકો પોલીસ સ્ટેશન લઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે માવલ ચેકપોસ્ટ ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલી છે. જ્યાં ગુજરાત પાસિંગની એક કારને બાતમીના આધારે પોલીસે રોકીને પૂછપરછ કરી હતી કે કારમાં શું છે ? ત્યારે તેમાં સવાર બન્ને યુવાનો સંતોષકારક જવાબ ન આપી શકતા પોલીસે કારની તપાસ હાથ ધરી અને ત્યાં 7 કરોડની માતબર રકમ મળી આવી હતી.