લલિત કગથરાએ ભાજપના નેતાઓને ગીધ કહેતા વિવાદ વકર્યો, ભાજપનો પલટવાર, ડરના કારણે કગથરાએ સંતુલન ગુમાવ્યુ

Lalit Kagathara: કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કગથરાએ કચ્છમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાજપના નેતાઓની સરખામણી ગીધ પક્ષી સાથે કરી દેતા વિવાદનો મધપૂડો છેડાયો છે. જેમાં ભાજપે પણ પલટવાર કરતા તેમણે ડરના કારણે સંતુલન ગુમાવ્યુ હોવાનો આરોપ લગાવ્યો છે તો બીજી તરફ વિવાદ વકરતા કગથરાએ પણ ફેરવી તોળ્યુ છે.

TV9 GUJARATI

| Edited By: Mina Pandya

Aug 09, 2022 | 9:21 PM

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને મોરબીના ટંકારાથી ધારાસભ્ય લલિત કગથરા (Lalit Kagathara)ના એક નિવેદનથી રાજકારણ ગરમાયુ છે. કચ્છમાં આયોજિત એક કાર્યક્રમમાં લલિત કગથરાએ ભાજપના નેતાઓની રાજકીય ગીધ સાથે સરખામણી કરી. જાહેર મંચ પરથી તેમના સંબોધન દરમિયાન લલિત કગથરા ભાન ભૂલ્યા અને તેમણે ભાજપ (BJP)ના નેતાઓને રાજકીય ગીધ કહેતા વિવાદી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું આ લુપ્ત પ્રજાતિ પરિવર્તન થઈને ગાંધીનગરમાં બેઠી છે.

ડરના કારણે લલિત કગથરા સંતુલન ગુમાવી બેઠા છે: ઋત્વિજ પટેલ

લલિત કગથરાના આ નિવેદન પર ભાજપે પણ પલટવાર કર્યો છે અને ભાજપના પ્રવક્તા ઋત્વિજ(Rutvij Patel) પટેલે આકરી પ્રતિક્રિયા આપતા લલિત કગથરાએ માનસિક સંતુલન ગુમાવ્યુ હોવાનું જણાવ્યુ. તેમણે જણાવ્યુ કે વિધાનસભા ચૂંટણી પહેલા ડરના કારણે કોંગ્રેસ નેતાઓ વાણીવિલાસ કરતા જોવા મળે છે. ઋત્વિજ પટેલે જણાવ્યુ કે લલિત કગથરાએ જે વાત કરી છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ સંતુલન ગુમાવી ચુક્યા છે. જે રીતે ભારતીય જનતા પાર્ટીને પ્રતિસાદ મળી રહ્યો છે અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસને આજ સુધી ન મળી હોય તેવી ઐતિહાસિક હાર મળવા જઈ રહી છે તે વાત સ્વીકારી નહીં શક્તા લલિત કગથરા આ પ્રકારે નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે. ઋત્વિજ પટેલે વધુમાં કહ્યુ કે આગામી ચૂંટણીમાં જનતા તેમને તેમનો રસ્તો બતાવશે.

વિવાદ વધતા કગથરાએ ફેરવી તોળ્યુ

જો કે વિવાદ વકરતા લલિત કગથરાએ ફેરવી તોળ્યુ હતુ અને જણાવ્યુ કે તેમના નિવેદનને ઉંધી રીતે લેવામાં આવ્યુ છે. સાથે જ કગથરાએ આરોપ લગાવ્યો કે ભાજપના નેતાઓ લમ્પીગ્રસ્ત વિસ્તારોમાં ફરીનો ફોટો સેશન કરાવે છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati