ચૂંટણી ટાણે ભાવનગર કોંગ્રેસ પ્રમુખને હાઈકોર્ટની રાહત પોલીસ ફરિયાદમાં કોઈ પગલાં ન ભરવા નિર્દેશ

| Edited By: | Updated on: Apr 22, 2026 | 5:24 PM

ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલ ઉર્ફે લાલભાને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કોંગ્રેસના જ ઉમેદવારના અપહરણના ગંભીર આરોપ હેઠળ દાખલ થયેલી ફરિયાદ સામે હાઈકોર્ટે હાલ કોઈ પણ કડક પગલાં ન ભરવા પોલીસને નિર્દેશ આપ્યા છે. આ મામલે લાલભાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે હાર ભાળી ગયેલા નેતાઓ હવે ખોટી ફરિયાદોનો સહારો લઈ રહ્યા છે.

ભાવનગરના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાના કેન્દ્રમાં રહેલા શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલના કેસમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વનો વળાંક લાવ્યો છે. કોંગ્રેસના જ ઉમેદવારના અપહરણના આરોપસર પોલીસે લાલભા સામે એફઆઈઆર (FIR) દાખલ કરી હતી, જેને પડકારતા હાઈકોર્ટે લાલભાને હાલ પૂરતી ધરપકડ કે કોઈ પણ કડક કાર્યવાહી સામે રક્ષણ આપ્યું છે. અદાલતે સરકાર અને પોલીસને નોટિસ પાઠવીને આ કેસમાં કોઈ પણ પગલાં ન ભરવા સ્પષ્ટ સૂચના આપી છે.

‘હાર પચાવવાની પ્રેક્ટિસ કરો’: લાલભા ગોહિલ

હાઈકોર્ટના આદેશ બાદ લાલભા ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, “એટલી હાસ્યાસ્પદ બાબત છે કે કોઈ પ્રમુખ પોતાના જ ઉમેદવારનું અપહરણ કેવી રીતે કરાવી શકે? ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગઈ હોવાથી આવી નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહી છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે લોકશાહીમાં તંદુરસ્ત સ્પર્ધા હોવી જોઈએ, હાર સ્વીકારવાની શક્તિ પણ કેળવવી જોઈએ.

આગામી સુનાવણી પર નજર

હાઈકોર્ટે હાલ પૂરતી રાહત આપીને મામલાની વધુ સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરી છે. ચૂંટણીના આ માહોલમાં કોંગ્રેસ પ્રમુખને મળેલી આ રાહત પક્ષ માટે મનોબળ વધારનારી સાબિત થઈ શકે છે. બીજી તરફ, પોલીસ હવે હાઈકોર્ટની નોટિસનો કેવો જવાબ રજૂ કરે છે તેના પર સૌની નજર ટકેલી છે. ભાવનગરની જનતામાં પણ આ હાઈપ્રોફાઈલ કેસને લઈને ભારે ચર્ચાઓ જાગી છે.

(ઈનપુટ ક્રેડિટ: રોનક વર્મા)

વિસાવદરના કાલસારીમાં ‘ચૂંટણી ગરમાવો’: વિકાસના કામોથી સંતોષ પણ ધારાસભ્ય સામે રોષ

Follow Us