વિસાવદરના કાલસારીમાં ‘ચૂંટણી ગરમાવો’: વિકાસના કામોથી સંતોષ પણ ધારાસભ્ય સામે રોષ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત સાથે જૂનાગઢના વિસાવદરમાં રાજકીય પારો ઊંચકાયો છે. કાલસારી ગામના મતદારોએ ટીવી9 સાથેની ખાસ વાતચીતમાં વિકાસના કાર્યો અને ખેડૂતલક્ષી યોજનાઓ પર મિશ્ર પ્રતિભાવ આપ્યા છે. ભાજપના શાસનમાં થયેલા કામોને બિરદાવવાની સાથે જ જનતાએ સરકારી કચેરીઓમાં પડતી હાલાકી અને સ્થાનિક ધારાસભ્યની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠાવ્યા છે.
જૂનાગઢ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વિસાવદરની 3 જિલ્લા પંચાયત અને 18 તાલુકા પંચાયતની બેઠકો પર રસાકસી જામશે. કાલસારી ગામના મતદારોનું કહેવું છે કે ગામમાં શમશાન અને રસ્તા જેવા પાયાના કામો થયા છે. ભાજપના શાસનમાં લાઈટની 8 કલાકની સુવિધાથી ખેડૂતો સંતુષ્ટ છે, પરંતુ ખેતપેદાશોના ભાવ મુદ્દે હજુ પણ 10 વર્ષ પાછળ હોવાની લાગણી અનુભવી રહ્યા છે.
સ્થાનિકોએ ખાસ કરીને તાલુકા પંચાયતના પ્રતિનિધિ અશ્વિનભાઈની કામગીરીની પ્રશંસા કરી હતી, પરંતુ સરકારી કચેરીઓમાં ‘અમારા અંડરમાં નથી આવતું’ કહીને થતી હેરાનગતિ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સામે પણ મતદારોમાં રોષ જોવા મળ્યો છે. ગ્રામ્ય સ્તરે મુખ્ય માર્ગોના બાકી કામો અને ખેડૂતલક્ષી પ્રશ્નોના નિકાલ માટે જનતા આ વખતે સારો અને લોકાભિમુખ વિચારધારા ધરાવતો ઉમેદવાર ઈચ્છી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ મિશ્ર પ્રતિભાવો મતદાન પેટીમાં કેવું પરિણામ લાવે છે.
(ઈનપુટ ક્રેડિટ: વિજયસિંહ પરમાર)
