ઈરાન ઈઝરાયેલ યુદ્ધની આડઅસરઃ સુરતમાંથી શ્રમિકોનું માદરે વતન માટે પલાયન
Iran Israel War Side Effects : ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના હજારો પરપ્રાંતિય શ્રમિકોએ સુરત છોડવાનું શરૂ કર્યું છે. સુરતના જ ઉધના રેલવે સ્ટેશન પર શ્રમિકોની ભારે ભીડ જોવા મળી રહી છે, જ્યાં લોકો પોતાના વતન જવા માટે ટ્રેનોમાં સવાર થવા ઉમટી રહ્યા છે.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધને પગલે, ભારત સહીત, ગુજરાતના વિવિધ ક્ષેત્રો પર અસર જોવા મળી રહી છે. યુદ્ધને પગલે, રાંધણ ગેસની સર્જાયેલ કટોકટી અને કેટલાક ઉદ્યોગોના ઉત્પાદનની નિકાસ બંધ થઈ જવાને કારણે તાળા મારવાનો વારો આવ્યો છે. આવા સંજોગોમાં પોતાના વતનથી દૂર સુરત ખાતે રોજગારી માટે આવેલ શ્રમિકોની હાલત વધુ કફોડી થઈ છે. પરિણામે પરપ્રાંતિય શ્રમિકો પાછા તેમના માદરે વતનની વાટ પકડી છે.
યુદ્ધના કારણે ગેસ સિલિન્ડરની સમય મર્યાદા અને ભાવમાં વધારાને કારણે ગરીબ અને મધ્યમવર્ગીય શ્રમિકોની જીવનવ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. અગાઉ 100 રૂપિયામાં મળતો ગેસ હવે 400 રૂપિયા સુધી પહોંચતા અનેક પરિવારો માટે રોજિંદું ભોજન બનાવવું મુશ્કેલ બન્યું છે. આ પરિસ્થિતિમાં અનેક શ્રમિક પરિવારો રોજગાર હોવા છતાં જીવન જીવવાની મૌલિક જરૂરિયાતો પૂરી ના કરી શકતા શ્રમિકો હવે વતન તરફ પાછા ફરવાનો રસ્તો પસંદ કરી રહ્યા છે.
ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના હજારો પરપ્રાંતિય શ્રમિકોએ સુરત છોડવાનું શરૂ કર્યું છે. સુરતના જ ઉધના રેલવે સ્ટેશન પર શ્રમિકોની ભારે ભીડ જોવા મળી રહી છે, જ્યાં લોકો પોતાના વતન જવા માટે ટ્રેનોમાં સવાર થવા ઉમટી રહ્યા છે. શ્રમિકોના આ મોટા પાયે પલાયનથી સુરતના વિશ્વવિખ્યાત ટેક્સટાઈલ ઉદ્યોગ સામે ગંભીર પડકાર ઉભો થયો છે. જો આ સ્થિતિ યથાવત રહેશે, તો સુરતના કેટલાક ઉદ્યોગમાં ‘લેબર શોર્ટેજ’ની સમસ્યા ઊભી થઈ શકે છે, જેનાથી કાપડ વેપારમાં કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
