રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, 128 તાલુકાઓમાં વરસ્યો વરસાદ સૌથી વધુ દાતામાં ખાબક્યો 4.5 ઈંચ વરસાદ- Video
ગુજરાતમાં ધોધમાર વરસાદે તબાહી મચાવી છે. 128 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે, જેમાં દાતામાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા, મહેસાણા અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. કેટલીક હોસ્પિટલોમાં પણ પાણી ઘૂસી ગયા છે. લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ છે. ક્યાંક રસ્તાઓ નદીઓમાં બદલાઈ ગયા છે, તો ક્યાંક હોસ્પિટલ સુધી પાણી ઘૂસી ગયા છે. બનાસકાંઠાના લાખણી અને દાંતામાં પાણી ભરાવા જેવી સ્થિતિ સર્જાઈ છે. વેપારીઓ અને દર્દીઓ બંને મુશ્કેલીમાં મુકાયા છે. તો મહેસાણાના ખેરાલુમાં પણ સ્થિતિ કંઈક આવી જ છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીથી રસ્તાઓ તરબતર થઈ ગયા છે. મોરબીમાં અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર વાપસી કરી. માત્ર બે કલાકમાં 2 ઈંચ વરસાદ સાથે ઠેર ઠેર પાણી ભરાયા અને દેવભૂમિ દ્વારકામાં તો મેઘરાજાએ તોફાની અંદાજમાં એન્ટ્રી મારી. કલ્યાણપુર અને ભાટિયામાં રસ્તાઓ પર પાણી વહેતા થયા છે.
લાખણીમાં સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વેપારીઓ અને રાહદારીઓ માટે મુખ્ય રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. ગેળા રોડ અને વાસણા રોડ પર પાણી ભરાતા આસપાસની દુકાનોમાં પાણી ઘૂસી ગયાં છે, વેપાર ઠપ થઈ ગયો છે.
દાંતા શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતા પરિસ્થિતિ કફોડી બની છે. સરકારી હોસ્પિટલની અંદર સુધી પાણી ઘૂસી ગયા છે. હૉસ્પિટલના ડોક્ટર ચેમ્બર અને દર્દી વોર્ડ બંનેમાં પાણી ભરાતા સારવારમાં વિલંબ થયો હતો. હૉસ્પિટલ નીચાણવાળા વિસ્તારમાં હોવાથી હંમેશા આવા પાણી ભરાવાની સમસ્યા ઉભી થાય છે, પરંતુ હજુ સુધી કોઈ પાયાની વ્યવસ્થા નથી કરાઈ.
મહેસાણાના ખેરાલુ શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ દરમ્યાન ભારે વરસાદ વરસ્યો. દેસાઈ વાડા અને મારૂંડા માતાજી રોડ પર પાણી ભરાયા છે. ખોખરવાડા સંઘ રોડ અને ખાડિસા સહિતના વિસ્તારોમાં પણ રસ્તાઓ પાણીથી ઘેરાઈ ગયા છે, વાહનચાલકો અને પદયાત્રીઓ બંનેને હાલાકી થઈ છે.
મોરબીમાં અઠવાડિયાના વિરામ બાદ ફરીથી ધોધમાર વરસાદે એન્ટ્રી મારી છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતાં લોકો અચાનક વિઘ્ને ચોંકી ગયા. માત્ર બે કલાકમાં જ મોરબીમાં લગભગ 2 ઈંચ વરસાદ નોંધાયો છે, જેને કારણે શહેરના અનેક માર્ગો પર પાણી ભરાઈ ગયાં છે. ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
મોરબી જિલ્લાના હળવદ અને માળિયા વિસ્તારોમાં પણ વરસાદના ઝાપટાં પડ્યા છે. છેલ્લા થોડા દિવસોથી વરસાદના અભાવે સૂકી ધરતી ફરીથી ભીંજાઈ છે, જેને લઈ ખેડૂતોમાં આશા જાગી છે. પરંતુ શહેરના નચાણ વિસ્તારોમાં પાણી ભરાતા રાહદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
દેવભૂમિ દ્વારકામાં પણ મેઘરાજાએ જમાવટ કરી છે. ખાસ કરીને કલ્યાણપુર તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી નોંધાઈ છે. હરિપર અને ભાટિયા જેવા વિસ્તારોમાં તો રસ્તાઓ પર વહેતા પાણી જોઈને નદી જેવી સ્થિતિ ઉભી થઈ ગઈ. ભાટિયામાં વરસાદની અસરથી સંચાર અને પરિવહન બંને વ્યવસ્થાઓ ઠપ થઈ રહી છે, લોકો ઘરોમાં પુરાઈ ગયા છે.