Gujarati Video : અમદાવાદમાં રેશનકાર્ડ ધારકોને સડેલા અનાજનું કરાયુ વિતરણ, CMO સુધી પહોંચી ફરિયાદ

TV9 GUJARATI

|

Updated on: Feb 08, 2023 | 8:32 AM

Ahmedabad News : સરકાર દ્વારા ગરીબો માટે સારી ગુણવત્તાનું અનાજ પહોંચે તે માટે અનાજનો જથ્થો આપી તો દેવામાં આવે છે. જો કે ગોડાઉનમાં પડેલા અનાજનું સમયસર વિતરણ ન કરવામાં આવતા અનાજમાં જીવાતો પડી જાય છે.

સરકાર દ્વારા ગરીબોને સસ્તા ભાવે સારી ગુણવત્તાનું અનાજ મળી રહે તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે. જો કે બીજી તરફ સામાન્ય જનતા સુધી સારી ગુણવત્તાનું અનાજ પહોંચી શકતુ નથી. અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકોને સડેલું અને જીવાત પડેલું અનાજ વિતરણ થતું હોવાની બુમરાણ ઉઠી છે. અમદાવાદ શહેરની 15 ઝોનલ કચેરીઓમાં રેશનકાર્ડ ધારકોને તુવેરની દાળમાં કાળા જીવડા પડેલું અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. મહિનાઓથી શાહીબાગના ગોડાઉનમાં તુવેરદાળનો જથ્થાબંધ સંગ્રહ કરાયો હતો જેના પગલે તુવેર દાળમાં જીવાતો પડી હતી.

સરકાર દ્વારા ગરીબો માટે સારી ગુણવત્તાનું અનાજ પહોંચે તે માટે અનાજનો જથ્થો આપી તો દેવામાં આવે છે. જો કે ગોડાઉનમાં પડેલા અનાજનું સમયસર વિતરણ ન કરવામાં આવતા અનાજમાં જીવાતો પડી જાય છે. ત્યારે આવા જથ્થાનો નાશ કરવાના સ્થાને અમદાવાદમાં આ અનાજનું વિતરણ કરી દેવાની ઘટના સામે આવી છે. આ જથ્થાનો નાશ કરવાને બદલે પુરવઠા વિભાગે રેશનસંચાલકોને ફરજિયાત ઓનલાઈન ચલણના રુપિયા ભરાવીને સડેલી તુવેરદાળ પધરાવી હોવાનો આરોપ છે. સાથે જ રેશનસંચાલકો પણ સડેલા અનાજની વિતરણ કરી રહ્યા છે.

મહત્વનું છે કે, રાજ્યમાં BPL-અંત્યોદય-APL-1 ના રેશનકાર્ડ ધારકોને દરમાસે કાર્ડ દીઠ 50 રૂપિયામાં એક કિલો તુવેરદાળ અને દેશી ચણા ત્રીસ રુપિયાના ભાવે વિતરણ કરાઈ છે. પરંતુ રેશનધારકો સડેલા અનાજની રાવ લઈને રેશન સંચાલકને આ અનાજ પરત કરી રહ્યા છે. સાથે જ રેશનધારકોએ CMOને પણ સડેલા અનાજને લઈ રજૂઆત કરી છે. અને ત્વરીત આ સડેલા અનાજનો નિકાલ કરીને શુદ્ધ અનાજનો જથ્થો વિતરણ થાય તે માટે માગ કરી છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati