ભાવનગર જિલ્લા માટે અલંગનો રિ-સાયક્લિંગ અને રિ-રોલિંગ મીલ વ્યવસાય અતિ મહત્વનો છે. પંરતુ વર્ષ 2008માં ક્વોલિટી કંટ્રોલ કાયદા હેઠળ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે BISએ શીપની પ્લેટમાંથી સળિયા બનાવવા પર પ્રતિબંધ મુકતો કાયદો અમલી બનાવ્યો હતો. જેની સીધી અસર રિ-સાયકલિંગ અને રિ-રોલિંગ વ્યવસાય પર પડી હતી. કાયદો અમલી બન્યા બાદ જિલ્લામાં કુલ 153થી વધુ પ્લોટમાં રિ-રોલિંગ મીલો બંધ કરવાની ફરજ પડી હતી. પરંતુ હવે આ બંને વ્યવસાય ફરી ધમધમતા થશે. કારણકે આગામી સમયમાં રોલિંગ મિલોમાં બનતા સળિયામાં કાચા માલ તરીકે શીપની પ્લેટના ઉપયોગના પ્રતિબંધને હટાવવાની કવાયત તેજ બની છે.
આ પણ વાંચો : ભાવનગર મનપાએ ઘરવેરાની ઉઘરાણી માટે કડક કાર્યવાહી હાથ ધરી, 3600 સરકારી કચેરીના 89 કરોડ મિલકત વેરા વસુલાત બાકી
આ માટે વડાપ્રધાન કાર્યાલય તરફથી નિયુક્ત હાઇપાવર કમિટી આ મહિનાના અંતમાં અલંગ અને સિહોરની મુલાકાતે આવી રહી છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાના અધ્યક્ષતામાં બનેલી આ કમિટીના સભ્યો 27થી 29 માર્ચ દરમિયાન અલંગ અને સિહોરની મુલાકાતે આવશે. જ્યાં તેઓ રોલિંગ મિલના માલિકો સાથે બેઠક કરશે.
આ બેઠકમાં બંને ઉદ્યોગોને પડી રહેલી સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવશે. આ ચર્ચા બાદ કમિટી તેનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપશે. જો કાચા માલ તરીકે શિપની પ્લેટોને મંજૂરી મળશે અને આ પ્રતિબંધ હટાવવામાં આવે તો શિપબ્રેકિંગ ઉદ્યોગ અને રી-રોલિંગ મિલ ઉદ્યોગ માટે ખૂબ જ ઉજળા દિવસો આવી શકે તેવી શક્યતાઓ રહેલી છે.