સાબરમતીમાં પ્રદૂષણ મામલે TV9ના અહેવાલની અસર થઈ છે. Tv9ના અહેવાલ બાદ મેગા લાઈન અને કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. અને 17 જેટલા ગેરકાયદે કનેક્શન માત્ર પીપળજમાં કપાયા છે. સાબરમતીમાં ગેરકાયદે રીતે કેમિકલના પાણી છોડતા કનેક્શન કપાયા છે. મહત્વનું છે કે, ટ્રીટ કર્યા વિના જ મેગાલાઇનમાં કેમિકલયુક્ત ગંદુ પાણી ઠલવાતુ હતુ. હજુ પણ અનેક એકમોનું ગંદુ પાણી મેગાલાઈનમાં છોડાતું હોવાનું અનુમાન છે.
મેગા લાઈન વિભાગ માત્ર નજીવા કનેક્શન કાપી કામનો દેખાડો કરતું હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે કોઈ પગલા લીધા જ નહીં. ગેરકાયદે પાણી છોડતા 17 એકમો સામે GPCBના કોઈ જ પગલાં લીધા નહીં, તેમજ ઔદ્યોગિક એકમોને નોટિસ તેમજ દંડ આપવાની પ્રક્રિયા પણ કરાઈ નથી.
આ અગાઉ અમદાવાદના મેયરે જણાવ્યુ હતુ કે સાબરમતી નદીમાં AMC દ્વારા ટ્રીટ કરેલુ પાણી જ છોડવામાં આવે છે. પરંતુ ક્યાંક કોઈક જગ્યા એવી હશે કે જ્યાંથી અમદાવાદ શહેરના બહારના વિસ્તાર કે જ્યાંથી સાબરમતીની શરૂઆત થઈ છે એ વિસ્તારની અંદર કોઈ ફેક્ટરી કે ઓદ્યોગિક એકમનું જોડાણ હશે પ્રદૂષિત પાણીવાળુ. તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકાર યોગ્ય પગલા લેશે.
મેયર ભલે કોર્પોરેશન વિસ્તારમાં સાબરમતી નદીને લઈને સબ સલામતનો દાવો કરે પરંતુ ટીવીનાઈનના કેમેરામાં ચોંકાવનારા દ્રશ્યો કેદ થયા છે. અમદાવાદના વિશાલા બ્રિજ નીચેના નદીના પટમાં ખુલ્લેઆમ પ્રદૂષિત પાણી છોડાઈ રહ્યું છે. આ કોઈ ડ્રેનેજ કે ગટરનું પાણી નથી. કોકાકોલા જેવું દેખાતુ પ્રદૂષિત ઝેરી પાણી છે. આ પ્રદૂષિત પાણીના પાપે સાબરમતી નદીના અસ્તિત્વ સામે સંકટ સર્જાયું છે. એક તરફ મેયરનો દાવો તો બીજી તરફ પર્યાવરણવિદ અને શહેરીજનો આ દાવાને પાયા વિહોણો ગણાવી રહ્યા છે અને કોર્પોરેશનના પાપે જ નદી પ્રદૂષિત થયાનો આરોપ લગાવી રહ્યા છે.