દક્ષિણ ગુજરાતમાં માવઠાએ વેર્યો વિનાશ, નવસારીમાં શેરડીના પાકને થયુ વ્યાપક નુકસાન- Video
કમોસમી વરસાદ દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. શેરડીના પાકને થયેલા નુકસાનથી ખેડૂતો ચિંતિત છે. આ ઉપરાંત, સુગર ફેક્ટરીઓ અને ત્યાં મજૂરી કરતા શ્રમિકો પણ મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે ફેક્ટરીઓ શરૂ થવામાં વિલંબ થઈ રહ્યો છે.
દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે માવઠુ ઘાત લઈને આવ્યુ છે. નવસારીમાં શેરડીના પાકને વ્યાપક નુકસાનને પગલે સુગર ફેક્ટરીઓ અને ત્યાં મજૂરી કરતા શ્રમિકોની રોજીરોટી પર પણ સંકટ તોળાઈ રહ્યુ છે. કમોસમી વરસાદને પગલે શેરડીના પાકને વ્યાપક નુકસાન થયું છે. તો પડતા પર પાટુંની જેમ દિવાળી દરમિયાન શેરડી પકવતા અનેક ખેડૂતોના ખેતર આગની ઝપેટમાં આવ્યાની ઘટના ઘટી. એક તરફ શેરડીમાં નુકસાનીએ ખેડૂતોની ચિંતા વધારી છે.
બીજી તરફ સુગર ફેક્ટરીઓને પણ મોટાપાયે નુકસાનની ભીતિ છે. ગુજરાતમાં 22 જેટલી ખાંડ મંડળીઓ આવેલી છે. જેમાંથી 13 હાલ કાર્યરત છે. ગુજરતામાં 1.34 લાખ હેક્ટર વિસ્તારમાં શેરડીનું વાવેતર થાય છે. જેનું ટર્ન ઓવર 4 હજાર કરોડ છે અને લગભગ સાડા ચાર લાખ ખેડૂતો સુગર ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. પરંતુ, વરસાદી માહોલને પગલે હાલ ખેતરથી શેરડી ફેક્ટરીઓ સુધી પહોંચાડવામાં પણ ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. ફેક્ટરીઓ શરૂ થવાના સમયે જ કમોસમી વરસાદ વરસતા ફેક્ટરીમાં મજૂરીએ આવેલા શ્રમિકોની પણ ચિંતા વધી છે કારણ કે હાલ વરસાદી પાણી ઓસરે નહીં ત્યાં સુધી કામ શક્ય નથી. એકતરફ ફેક્ટરીઓ શરૂ થવામાં વિલંબ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ ગુજરાતના ખાંડ ઉદ્યોગ માટે મોટી ચિંતાનો વિષય છે.