મેઘરાજાની ધમાકેદાર શરૂઆતથી રાજ્યના જળાશયો છલકાયા, 35થી વધુ ગામોમાં એલર્ટ- જુઓ Video
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ધમાકેદાર રહી છે. ભારે વરસાદને કારણે અનેક જળાશયો છલકાયા છે, જેમાં રજાવડ અને શેત્રુંજી ડેમનો સમાવેશ થાય છે

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ધમાકેદાર રહી છે. ભારે વરસાદને કારણે અનેક જળાશયો છલકાયા છે, જેમાં રજાવડ અને શેત્રુંજી ડેમનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. 35થી વધુ ગામોને પૂરની ચેતવણી આપવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ પર છે અને NDRF ટીમો તૈનાત કરવામાં આવી છે. નાગરિકોને સલામતીના નિયમોનું પાલન કરવા અપીલ કરાઈ છે
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. છેલ્લા 48 કલાકથી પડી રહેલા સતત ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જળાશયો છલકાયા છે. ભાવનગરમાં પડેલા અનરાધાર વરસાદમાં માંડવડાના રજાવડ ડેમમાં પાણીની સારી આવક થતા ડેમ 100% ભરાઈ ગયો છે. બીજી તરફ, પાલીતાણામાં આવેલા શેત્રુંજી ડેમ પણ છલકાયો છે, જેના કારણે ભેગાળી, દાત્રડ, પીંગળી, ટીમાણા અને સેવાળીયા જેવા ગામોમાં એલર્ટ જાહેર કરાયુ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પાણીની સ્થિતિ ગંભીર છે. નાયકા ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે અને ધોળીધજા ડેમ પણ છલકાવાની સ્થિતિમાં છે. મોરબી જિલ્લામાં પણ ડેમ છલકાયો છે. જ્યાં મચ્છુ-2 ડેમ ઓવરફ્લો થયો છે અને તેની અસર હેઠળ આવેલા કાંઠા વિસ્તારના 29 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. મચ્છુ-3 ડેમના દરવાજા પણ અડધા ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે.
આ સમગ્ર ઘટનાક્રમને લઈને જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે અને NDRF ટીમો સાથે કંટ્રોલ રૂમ સક્રિય બનાવાયા છે. તંત્રએ નાગરિકોને ઓછામાં ઓછા આવનજાવન કરવા અને સલામતીના નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો છે.