ગુજરાત વિધાનસભા ચૂંટણી: ભાજપના બળવાખોરોને સી આર પાટીલનો સ્પષ્ટ સંદેશ, કદાચ જીતી જશે તો પણ તેમને પાર્ટીમાં ફરી સ્થાન નહીં મળે
Gujarat Election 2022: ભાજપના બળવાખોરોને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેમની જીતવાની કોઈ શક્યતા જ નથી અને કદાય એકાદ બે લોકો જીતી પણ જશે તો પણ તેમને પક્ષમાં ફરી સ્થાન નહીં મળે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી તેના અંતિમ પડાવમાં પહોંચી છે. બીજા ચરણના મતદાન માટે પ્રચાર પડઘમ પણ શાંત થયા છે. 5મી ડિસેમ્બરે 93 બેઠકો માટે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાવાનું છે, ત્યારે ભાજપમાંથી જેમને ટિકિટ નથી મળી તેવા અપક્ષ ઉમેદવારી કરનારા બળવાખોરોને લઈને સી આર પાટીલે મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે ભાજપમાંથી બળવો કરી અપક્ષ ચૂંટણી લડનારા જો જીતી જશે તો પણ તેમને પક્ષમાં ફરી સ્થાન નહીં મળે. સી આર પાટીલે બળવાખોરોને ચેતવણી આપી કે ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે. અશિસ્તતા ક્યારેય ચલાવી નહીં લેવાય. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિરોધમાં જનારા ત્રણથી ચાર લોકો જીત્યા, પરંતુ અમે તેમને પક્ષમાં નથી લીધા. આ ચૂંટણીમાં પણ બળવાખોરો જીતે તેવી કોઈ જ શક્યતા નથી. પરંતુ જીતે તો પણ અમે તેમને પાછા લેવા તૈયાર નથી.
ભાજપના બળવાખોરોને પાટીલનો સ્પષ્ટ સંદેશ
પાટીલે મીડિયાકર્મીઓ સમક્ષ જણાવ્યુ હતુ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે પણ કેટલા લોકો સામે પડ્યા હતા અને એમાના કેટલાક જીત્યા પણ હતા. ભલે આંગળીને વેઢે ગણી શકાય એટલા હતા. પરંતુ એમાંથી એકપણ વ્યક્તિને પાછા લીધા નથી. તેમણે ઉમેર્યુ કે જો એ લોકો એવુ માનતા હોય કે શિસ્તબદ્ધ પાર્ટીમાં અશિસ્ત કરીને પાછા આવી જઈશુ એવી એમની માન્યતા હશે તો તે કાઢી નાખવી જોઈએ. એ જીતશે એવી કોઈ શક્યતા નથી અને જીતે તો પણ તેમને પાછા લેવાની અમારી કોઈ તૈયારી નથી તેમ પાટીલે સ્પષ્ટ જણાવ્યુ હતુ.