GSRTC એ લીધો મુસાફરોના હિતમાં ‘મોટો નિર્ણય’, અમદાવાદથી સુરત અને ભાવનગર જવું હવે સસ્તું બનશે – જુઓ Video
નવા હાઈવે શરૂ થવાના કારણે ગુજરાતના મુસાફરો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. માર્ગ પરિવર્તનને લીધે મુસાફરીનું અંતર અને સમય બંને ઘટતા, GSRTC (એસટી નિગમ) દ્વારા અમદાવાદ-ભાવનગર અને અમદાવાદ-સુરત વચ્ચે ચાલતી બસોના ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો છે.
માર્ગ પરિવર્તન અને નવા હાઈવેના કારણે GSRTC દ્વારા અમદાવાદ-ભાવનગર અને અમદાવાદ-સુરત વચ્ચે ચાલતી વોલ્વો બસોના ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો છે. નવા હાઈવેને લીધે મુસાફરીનું અંતર તેમજ સમય બંનેમાં ઘટાડો નોંધાતા મુસાફરોને સીધો લાભ મળશે.
અમદાવાદથી ભાવનગર વચ્ચે ધોલેરા હાઈવે શરૂ થતાં બંને શહેરો વચ્ચેનું અંતર ઘટ્યું છે, જેના કારણે GSRTC દ્વારા અમદાવાદ-ભાવનગર વોલ્વો સેવાનું ભાડું રૂ.351માંથી ઘટાડીને રૂ.337 કરવામાં આવ્યું છે. ટૂંકમાં, મુસાફરોને રૂ.14નો સીધો લાભ મળશે. આ સાથે મુસાફરીના સમયમાં પણ અંદાજે એક કલાકનો ઘટાડો થયો છે.
બસ આ જ રીતે મુંબઈ-દિલ્લી એક્સપ્રેસ હાઈવેના ભાગરૂપે અમદાવાદથી સુરત તરફના નવા માર્ગના ઉપયોગથી મુસાફરીનું અંતર ઘટતાં નહેરુનગરથી સુરત જતી વોલ્વો બસનું ભાડું રૂ.748માંથી ઘટાડીને રૂ.687 કરવામાં આવ્યું છે, જેના કારણે મુસાફરોને રૂ.61નો લાભ મળશે. નવા એક્સપ્રેસ હાઈવે શરૂ થયા બાદ નહેરુનગરથી સુરત સુધીની મુસાફરીમાં અંદાજે 50 મિનિટનો સમય બચી રહ્યો છે. GSRTCના આ નિર્ણયથી નિયમિત મુસાફરી કરતા મુસાફરોને ભાડામાં રાહત સાથે સમયની પણ બચત થશે.
આ તમામ રૂટોનું ઓનલાઇન એડવાન્સ બુકિંગ નિગમની સત્તાવાર વેબસાઇટ www.gsrtc.in તેમજ GSRTC મોબાઇલ એપ્લિકેશન (gsrtcapp) ઉપરથી કરી શકાશે. એસ.ટી. નિગમ દ્વારા તમામ મુસાફર જનતાને આ આધુનિક અને સુવિધાજનક પ્રીમીયમ સર્વિસોનો મહત્તમ લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.
