શ્રી રામને આવકારવા ભક્તોમાં અનેરો ઉત્સાહ, પ્રભુના વધામણા માટે ઠેર ઠેર યોજાઈ શોભાયાત્રા- વીડિયો
અયોધ્યામાં ભગવાન શ્રી રામનો 22 જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે સમગ્ર દેશ રામભક્તિમાં લીન બન્યો છે. ઠેર ઠેર ભગવાન રામના વધામણા માટે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. જુઓ જુનાગઢ, જામનગર, સાબરકાંઠા, બનાસકાંઠામાં રંગેચંગે શોભાયાત્રા નીકળી હતી.
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઇને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે, ગુજરાતમાં પણ અનેક જગ્યાએ શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. જુનાગઢ ભવનાથ તળેટીમાંથી સાધુ સંતો દ્વારા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઇને બાઈક અને ફોર વ્હીલ સાથે ભવ્ય રેલી નિકળી હતી. આ તરફ જામનગરના કાલાવડ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બાઈક રેલી યોજવામાં આવી હતી. શહેરના મૂળીલા ગેટ, કૈલાસનગર, શીતળા કોલોની, લીમડા ચોક સહિત સમગ્ર શહેરમાં બાઈક રેલી ફરી હતી.
જ્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં રામજી મંદિરેથી રામરથનું પ્રસ્થાન થયું હતુ. પૂજા અર્ચના બાદ આરતી કરી રામરથનું પ્રસ્થાન કરાવાયું. છાપરિયા રામજી મંદિર મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા. બનાસકાંઠાના પાલનપુર જીડી મોદી કોલેજથી રામજી મંદિર સુધી બે કિલોમીટરની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. વેપારી એસોસિશન અને અન્ય ધાર્મિક સંગઠન આ શોભાયાત્રામાં જોડાયા હતા.
