જુનાગઢ આસ્થાના કૂડ સમાન દામોદર કૂંડમાં સર્જાયા ગંદકીના ગંજ, કોંગ્રેસે કહ્યુ તાકાત હોય તો પદાધિકારીઓ આ પાણીમાં સ્નાન કરી બતાવે- Video
જુનાગઢવાસી અને હજારો હિંદુઓની આસ્થા જેની સાથે જોડાયેલી છે તે પવિત્ર દામોદર કૂંડમાં હાલ ગંદકીના ગંજ ખડકાયા છે પરંતુ મહાનગરપાલિકાના સત્તાધિશોને તેની પવિત્રતાની કંઈ ફિકર નથી. આ બાબતે કોંગ્રેસે મનપાને આડે હાથ લેતા પડકાર ફેંક્યો છે કે તાકાત હોય તો આ પ્રદૂષિત પાણીમાં સ્નાન કરીને બતાવે પદાધિકારીઓ.
જુનાગઢનાં પ્રસિદ્ધ તિર્થધામ દામોદરકુંડમાં દુષિત પાણી અને ગંદકીનાં ઢગ સર્જાયા છે. નરસિંહ મહેતાની સ્મૃતિઓથી જોડાયેલા અને પિતૃ તર્પણ માટે પ્રસિદ્ધ દામોદરકુંડમાં ગંદકી બાબતે સતત ફરિયાદો ઉઠતી રહે છે. જુનાગઢ મહાનગરપાલિકા માત્ર કાગળ પર યોજનાઓ બનાવે છે. આ યોજનાઓનો અમલ કદી થતો નથી, તેવો કોંગ્રેસનો આરોપ છે. કોંગ્રેસે દામોદરકુંડનાં ગંદા પાણીમાં સ્નાન કરવા મનપા અને જિલ્લાનાં પદાધિકારીઓને આહવાન કર્યું હતું. જો કે એક પણ પદાધિકારી ત્યાં ફરક્યા ન હતા.
બીજી તરફ મનપાનાં અધિકારીએ સરકારી જવાબ આપ્યો છે કે, દામોદર કુંડ ગુજરાત યાત્રાધામ હેઠળ આવે છે. અમે માત્ર વારે-તહેવારે ત્યાં આવેલા શૌચાલયોની સફાઇ માટે માણસ મુકીએ છીએ. ગટર ડાઇવર્ટ કરવાની યોજના હતી પણ તે નથી થયું. આગામી શ્રાવણ મહિના સુધી જો દામોદર કુંડની સફાઇ યોગ્ય રીતે ન થાય તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપી છે. હિન્દુ યાત્રાળુઓને પડતી આ મુશ્કેલીને કારણે જૂનાગઢનાં એક મુસ્લિમ નગરસેવક આગળ આવ્યા છે. સફાઇ માટે જો મનપા પાસે પુરતું ભંડોળ ન હોય તો પોતાની ગ્રાન્ટમાંથી પણ નાણાં આપવાની તેમણે તૈયારી દર્શાવી.
Input Credit- Vijaysinh Parmar- Junagadh