Vadodara Breaking: બાળકોના હાથમાં ચોપડી નહીં સાવરણી…પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવાનો વીડિયો વાયરલ
વડોદરાના કરજણ તાલુકાના નવી જીથરડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ અને વાસણ મંજાવવાનો ગંભીર આરોપ લાગ્યો છે. સરપંચની તપાસમાં બાળકોએ શિક્ષકે સફાઈ કરવાનું કહ્યું હોવાનું જણાવતાં DEO અને DDOને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
વાલીઓ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે તેમને શાળાએ મોકલતા હોય છે, પરંતુ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નવી જીથરડી ગામે આવેલી પ્રાથમિક શાળામાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ભણવા આવેલા માસૂમ ભૂલકાંઓના હાથમાં પુસ્તકોને બદલે સાવરણી પકડાવી સફાઈ કરાવવામાં આવતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે.
વાલીઓની ઉગ્ર રજૂઆત બાદ ગામના સરપંચે શાળાની મુલાકાત લઈને તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન બાળકોએ કેમેરા સમક્ષ સ્પષ્ટ જણાવ્યું હતું કે, “સાહેબે અમને કચરો વાળવા કહ્યું હતું.” આ ઉપરાંત શિક્ષકોના એંઠા વાસણો પણ બાળકો પાસે સાફ કરાવવામાં આવતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. સ્થાનિક સ્તરે રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાતાં આખરે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO), જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને TDOને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
બીજી તરફ, શાળાના આચાર્યએ આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. બાલવાટિકાથી ધોરણ ૫ સુધીના વર્ગો અને ૨૯ વિદ્યાર્થીઓ ધરાવતી આ સરકારી શાળામાં માત્ર બે જ શિક્ષકો ફરજ બજાવે છે. શાળા પરિસરમાં ગંદકી અને ઝાડી-ઝાંખરા હોવાથી અવારનવાર ઝેરી જીવજંતુ કે સાપ નીકળવાનો ભય રહે છે. જો આવા જોખમી વાતાવરણમાં સફાઈ કરતી વખતે કોઈ બાળક સાથે દુર્ઘટના ઘટે તો તેનો જવાબદાર કોણ? તેવા વેધક સવાલો ગ્રામજનો ઉઠાવી રહ્યા છે.