Breaking News: કાળઝાળ ગરમીનો કહેર: વાઘોડિયા એસટી ડેપોમાં આધેડનું મોત
વડોદરાના વાઘોડિયામાં એસટી ડેપો કમ્પાઉન્ડમાં એક આધેડનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. પ્રાથમિક અંદાજ મુજબ ભારે ગરમીના કારણે મોત થયું હોવાની આશંકા છે.
માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પારો આસમાને પહોંચતા હવે તે જીવલેણ સાબિત થઈ રહી છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા એસટી ડેપો કમ્પાઉન્ડમાંથી આજે એક આધેડ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પરંતુ કમનસીબે સારવાર મળે તે પહેલાં જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
ભારે ગરમીના કારણે મોતની આશંકા
મૃતકની ઓળખ રણછોડભાઈ વસાવા તરીકે થઈ છે, જેઓ નર્મદા જિલ્લાના મોટી ચીખલી ગામના રહેવાસી હતા. ઘટનાસ્થળ પર હાજર લોકો અને પ્રાથમિક તારણ મુજબ, વાઘોડિયામાં પડી રહેલી અસહ્ય ગરમીના કારણે લૂ લાગવાથી અથવા હીટસ્ટ્રોકથી તેમનું મોત થયું હોવાનું માનવામાં આવે છે. જોકે, મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.
પરિવારમાં શોકનો માહોલ
ઘટનાની જાણ થતા જ વાઘોડિયા પોલીસે મૃતકના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. સમાચાર મળતા જ નર્મદાથી તેમના સ્વજનો વાઘોડિયા આવવા રવાના થયા છે. ઉલ્લેખનીય છે કે, હજુ ઉનાળાની શરૂઆત જ થઈ છે ત્યાં ગરમીએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા અને પૂરતા પ્રમાણમાં પાણી પીવા માટે સૂચના આપવામાં આવી છે.