Breaking News : અમદાવાદ પોલીસે 15 કિલોમીટર સુધી મોબાઇલ સ્નેચરનો પીછો કરી ઝડપી પાડ્યો , જુઓ Video
અમદાવાદમાં એલિસબ્રિજ પોલીસે 15 કિલોમીટર સુધી ફિલ્મી ઢબે પીછો કરીને એક મોબાઇલ સ્નેચરને ઝડપી પાડ્યો છે. આ પીછો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો હતો. પોલીસે આરોપી પાસેથી ચાર ચોરાયેલા મોબાઇલ ફોન જપ્ત કરીને સરખેજ, સેટેલાઇટ, બોડકદેવ અને વસ્ત્રાપુરના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
અમદાવાદમાં સી.જી રોડ પર જાણે ફિલ્મ ચાલતી હોય. તેવા દર્શ્યો સર્જાયા હતા.જેમાં પોલીસ મોબાઈલ સ્નેચરનો પીછો કરતી જોવા મળી રહી છે. અમદાવાદમાં મોબાઇલ સ્નેચિંગની વધતી ઘટનાઓ વચ્ચે પોલીસે સક્રિય કાર્યવાહી કરી છે. એલિસબ્રિજ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને એક મોબાઇલ સ્નેચરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસ દ્વારા આ આરોપીનો 15 કિલોમીટર સુધી પીછો કરવામાં આવ્યો હતો, જે માદલપુરથી સી.જી. રોડ સુધી લંબાયો હતો. આ સમગ્ર ઘટના શહેરના વિવિધ સી.સી.ટી.વી. કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ સામે આવ્યા છે.
ફિલ્મી દર્શ્યો સર્જાયા
પોલીસે ઝડપાયેલા આરોપી પાસેથી ચોરીના કુલ ચાર મોબાઇલ ફોન કબજે કર્યા છે. આ તપાસ દરમિયાન સરખેજ, સેટેલાઇટ, બોડકદેવ અને વસ્ત્રાપુર વિસ્તારમાં થયેલી મોબાઇલ ચોરીના ચાર બનાવોનો ભેદ ઉકેલાયો છે. ખુલાસો થયો છે કે આરોપી સ્પોર્ટ્સ બાઇકનો ઉપયોગ કરીને મોબાઇલ સ્નેચિંગ કરતો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એલિસબ્રિજ પોલીસની આ કાર્યવાહીથી શહેરમાં મોબાઇલ સ્નેચિંગ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
તમને જણાવી દઈએ કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલજીત દોસાંઝના કોન્સર્ટ બાદ પોલીસને મોબાઈલ ચોરીની અનેક ફરિયાદો મળી છે. આ મામલે પોલીસે દિલ્હીથી કાર લઈને ફોનની ચોરી કરવા આવેલી ગેંગને તો પકડી પાડી છે. ત્યારે એક પ્રશ્ન એ પણ છે કે, શું આ સ્નેચરે પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી મોબાઈલની ચોરી કરી છે કે, કેમ.