ભરતી કૌભાંડના આક્ષેપ પર ભાજપની પ્રતિક્રિયા,”કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી થશે”

ભાજપ નેતા રજની પટેલે જણાવ્યુ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા આવા પેપર લીકની વાત હોય કે પછી કૌભાંડની વાત હોય તેનો સખત વિરોધ કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 4:05 PM

કથિત ઊર્જા વિભાગ ભરતી કૌભાંડ (Department of Energy recruitment scam) મામલે રાજકારણ ગરમાઈ રહ્યુ છે. કથિત કૌભાંડમાં ભાજપના આગેવાન અવધેશ પટેલ પણ સામેલ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ત્યારે સમગ્ર મામલે ભાજપ નેતા રજની પટેલે (Rajni Patel) પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ છે કે કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી થશે.

ભાજપ નેતા રજની પટેલે જણાવ્યુ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા આવા પેપર લીકની વાત હોય કે પછી કૌભાંડની વાત હોય તેનો સખત વિરોધ કરે છે. પક્ષ તરફથી સરકાર ગંભીર પગલા લે તેવી વાત પહેલા પણ કરેલી છે અને આજે પણ કરીએ છીએ. કાર્યકર્તા હોય કે અન્ય કોઈ વ્યક્તિ હોય, આવી ઘટના સાથે જોડાયેલા કોઈપણ વ્યક્તિ હશે તો તેની સામે કડકાઈથી પગલા લેશે.

ગુજરાતમાં વધુ એક ભરતી વિવાદમાં આવી છે. આમ આદમી પાર્ટીના નેતા અને વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે (Yuvraj Singh jadeja) ઊર્જા વિભાગ દ્વારા લેવાતી ભરતી પરીક્ષામાં કૌભાંડનો આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા અને વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહનો આરોપ છે કે સમગ્ર કૌભાંડમાં ઓનલાઈન પરીક્ષા લેનારી એજન્સીની પણ સંડોવણી છે. NSEIT નામની કંપનીના લોકો આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા છે.

એપી સેન્ટર અરવલ્લી, બાયડ

આક્ષેપ છે કે ઊર્જા વિભાગની ભરતીના કૌભાંડનું એપી સેન્ટર અરવલ્લી, બાયડ છે. સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં કૌભાંડ થતું હોવાના યુવરાજ સિંહના આક્ષેપ છે. અહીં એક જ ગામના 18 વિદ્યાર્થીઓની કેવી રીતે ભરતી થઈ? એ ખુબ મોટો પ્રશ્ન ઉઠ્યો છે. યુવરાજ સિંહના આરોપ પ્રમાણે બાયડ ચોઈલા ગામના લોકો એમાં વધુ જોડાયેલા છે. પાટીદાર, ચૌધરી અને પ્રજાપતિ સમુદાયના લોકો વધુ જોડાયા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.

પેપર દીઠ 21 લાખની ઉઘરાણી

વધુ આક્ષેપો લગાવતા યુવરાજ સિંહે કહ્યું કે ભરતીમાં એક પેપર દીઠ 21 લાખની ઉઘરાણી કરવામાં આવી. જેમાં એડવાન્સ પેટે 1 લાખ રૂપિયા અપાયા છે. નામ સિલેક્શનમાં ન આવે ત્યાં સુધી પૂરી રકમ ન લેવાતા હોવાનો પણ આક્ષેપ છે તો આ પરીક્ષા 3 શિફ્ટમાં પરીક્ષા લેવાય છે. 1 સેન્ટર પર કોમ્પ્યુટર વ્યવસ્થાને ધ્યાને રાખી કૌભાંડ થતું હોવાનું જાણવા મળ્યું છે તો સેન્ટ્રલ રૂમમાંથી PC ઓપરેટ થતા હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાનું માત્ર નાટક કરે છે અને કૌભાંડ આચરવામાં આવે છે.

કૌભાંડીઓના નામ કર્યા જાહેર

સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં કૌભાંડ થતું હોવાનો આક્ષેપ છે તો કૌભાંડ આચરનાર સીધી રીતે હાજર ન હોવાનું પણ નેતાએ જણાવ્યું છે. યુવરાજ સિંહનું કહેવું છે કે બાયડમાં ટ્યુશન ચલાવતો અવધેશ પટેલ કૌભાંડ ચલાવે છે તો ધવલ પટેલ, કુશાંગ પટેલ, હિતેશ પટેલ, બાબુ પટેલ, જિગીશા પટેલે ભરતીનો લાભ લીધો હોવાનો આક્ષેપ છે.

ત્યારે જેટકોની પરીક્ષામાં મિતુલ પટેલે ભરતી કૌભાંડનો લાભ લેવાનો આક્ષેપ છે. કૌભાંડમાં શરૂઆતમાં ટોકન અને ત્યારબાદ બાકીની રકમ અપાય છે. રાજકીય વગના કારણે આ બધા કૌભાંડ ચાલતા હોવાનો આક્ષેપ છે.

આ પણ વાંચોઃ વધુ એક ભરતીમાં કૌભાંડના આક્ષેપો: યુવરાજ સિંહના સણસણતા સવાલ, એક જ ગામના 18 યુવાનોને નોકરી કેવી રીતે મળી?

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">