માત્ર 2 ઈંચ વરસાદમાં ભુજ જળબંબાકાર, વાહનો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો
કચ્છના ભુજ શહેરમાં પડેલા 2 ઈંચ વરસાદને કારણે, અનેક વિસ્તારોમાં નદીના પ્રવાહની માફક પાણી વહ્યાં હતા. ભુજ બસ સ્ટેશન વિસ્તાર તો જાણે બેટ હોય તેમ ચારેબાજુ પાણી જ પાણી જોવા મળ્યું હતું. ભારે વેગથી વહેતા વરસાદી પાણીમાં અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ પૂર્ણ જાહેર થયા બાદ, અરબી સમુદ્રમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેશરની અસર હેઠળ અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. કચ્છના ભુજમાં વરસેલા માત્ર બે ઈંચ વરસાદને પગલે, જાણે સમગ્ર શહેર જળબંબાકાર થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
કચ્છ જિલ્લામાંથી નૈઋત્યનુ ચોમાસુ ગત સપ્તાહે પૂર્ણ થયું હોવાનું હવામાન વિભાગે જાહેર કર્યું હતું. જો કે, અરબ સાગરમાં સર્જાયેલ વેલ માર્ક લો પ્રેશરની અસર હેઠળ રાજ્યના અનેક જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. કચ્છના ભુજ શહેરમાં પડેલા 2 ઈંચ વરસાદને કારણે, અનેક વિસ્તારોમાં નદીના પ્રવાહની માફક પાણી વહ્યાં હતા. ભુજ બસ સ્ટેશન વિસ્તાર તો જાણે બેટ હોય તેમ ચારેબાજુ પાણી જ પાણી જોવા મળ્યું હતું. ભારે વેગથી વહેતા વરસાદી પાણીમાં અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ભુજ શહેરના વિવિધ બજારોની દુકાનોમાં વરસાદી પાણી ભરાતાસ વેપારીઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.
ભુજના મહેંદી કોલોની વિસ્તારમાં પાણી ફરી વળતા 6 લોકો ફસાયા હતા. ભારે વરસાદના પગલે ચાકી જમાત ખાનાની સામે ઘરમાં 6 લોકો અટવાઈ ગયા હતા. વરસાદના પગલે મકાન તેમજ રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. ભુજ ફાયરબ્રિગેડ દ્વારા 6 લોકોનું રેસ્ક્યુ કરી ને તેમને સલામત બહાર કાઢ્યા હતા.