Ahmedabad News: ખાનપુરની ‘બાગબાન’ સાઈટ વિવાદમાં, અશાંતધારાની મંજૂરી મેળવવા હિન્દુ ભાગીદારને ‘મહોરો બનાવાયાનો MLAનો આક્ષેપ

| Edited By: | Updated on: Feb 02, 2026 | 9:22 PM

અમદાવાદના ખાનપુર વિસ્તારમાં અશાંતધારા હેઠળ મંજૂરી મેળવવા માટે ‘રહેબર ડેવલપર્સ’ દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી છે. મુસ્લિમ બિલ્ડર ગ્રુપ દ્વારા હિન્દુ વિસ્તારમાં બાંધકામની પરવાનગી લેવા માટે 5% હિસ્સા સાથે હિન્દુ વ્યક્તિને ભાગીદાર બનાવ્યા બાદ મંજૂરી મળતા જ તેને દૂર કરી દેવાતા વિવાદ વકર્યો છે. ધારાસભ્યની ફરિયાદ અને તપાસમાં ગેરરીતિ સામે આવતા તંત્રએ સાઈટ સીલ કરી છે, જેની સામે બિલ્ડરે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

અમદાવાદમાં પાલડી બાદ હવે ખાનપુર વિસ્તારમાં અશાંતધારા (Disturbed Areas Act) ના કથિત ઉલ્લંઘનનો મામલો ગરમાયો છે. ખાનપુરની ‘બાગબાન’ નામની નિર્માણાધીન સાઈટમાં અશાંતધારાની મંજૂરી મેળવવા માટે હિન્દુ અરજદારનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે આ વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટના ઉંબરે પહોંચ્યો છે.

શું છે ‘બાગબાન’ સાઈટનો ભાગીદારી વિવાદ?

બાગબાન સાઈટમાં ભાગીદારીની વિગતો તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ પ્રોજેક્ટમાં આદિલખાન પઠાણનો 90% અને મુજીબખાન પઠાણનો 5% હિસ્સો હતો, જ્યારે જૈમિન ભરવાડ નામના હિન્દુ વ્યક્તિને માત્ર 5% હિસ્સો આપી ભાગીદાર બનાવવામાં આવ્યો હતો. આક્ષેપ છે કે હિન્દુ વિસ્તારમાં પ્રોજેક્ટની મંજૂરી મેળવવા માટે જ જૈમિન ભરવાડને અરજદાર તરીકે આગળ ધરવામાં આવ્યો હતો. નવાઈની વાત એ છે કે, જેવી અશાંતધારાની મંજૂરી મળી, કે તરત જ જૈમિન ભરવાડને ભાગીદારીમાંથી દૂર કરી દેવાયો હતો.

ધારાસભ્ય કૌશિક જૈનની ફરિયાદ અને તપાસ આ મામલો સ્થાનિક ધારાસભ્ય કૌશિક જૈનના ધ્યાન પર આવતા તેમણે મુખ્યમંત્રી કાર્યાલય (CMO) અને કલેક્ટરને લેખિત ફરિયાદ કરી હતી. તેમનો આરોપ છે કે મુસ્લિમ બિલ્ડરો હિન્દુ વિસ્તારોમાં મિલકત ટ્રાન્સફર કે બાંધકામની મંજૂરી મેળવવા માટે હિન્દુ વ્યક્તિઓને ‘મહોરા’ તરીકે રજૂ કરીને કાયદાની આંખમાં ધૂળ નાખે છે.

AMCની કાર્યવાહી અને હાઈકોર્ટનો હુકમ બાંધકામ માટે અગાઉ સંજય શેઠ અને રહેબર ડેવલપર્સના નામે રજા ચિઠ્ઠી મેળવવામાં આવી હતી. જોકે, તપાસમાં ગેરરીતિઓ અને નિયમોનો ભંગ જણાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સપ્ટેમ્બર 2024માં સાઈટ સીલ કરવામાં આવી હતી. દંડ ભરીને સીલ ખોલાવ્યા બાદ પણ ફરી ફરિયાદ થતા તંત્રએ સાઈટ ફરી સીલ કરી છે. આ કાર્યવાહી સામે બિલ્ડર ગ્રુપ હાઈકોર્ટમાં પહોંચ્યું છે, જ્યાં હાઈકોર્ટે હાલના તબક્કે સાઈટ પર ‘યથાસ્થિતિ’ (Status Quo) જાળવી રાખવાનો હુકમ કર્યો છે.

આ ઘટનાએ શહેરમાં અશાંતધારાના અમલીકરણ અને તેમાં થતી છટકબારીઓ અંગે ફરી એકવાર ચર્ચા જગાવી છે.

Input Credit: Ronak Varma

શું તમે જાણો છો ફ્રીજ ઉપર કઈ વસ્તું મૂકવી અને કઈ નહીં…? ચાલો જાણીએ, વાંચવા માટે અહીં ક્લિક કરો