પક્ષ-વિપક્ષ નહીં….‘દેરાણી-જેઠાણી’ આમને-સામને, શું પરિવારમાં પડ્યા ફાંટા ! એક જ પરિવારની બે મહિલાઓ વચ્ચે ખરાખરીનો જંગ
અમરેલીના વોર્ડ નંબર 9માં ચૂંટણી જંગ રોચક બન્યો છે, જ્યાં એક જ પરિવારની બે મહિલાઓ રાજકીય મેદાનમાં સામસામે ઉતરી છે. જેઠાણી રેણુકાબેન ભાજપ તરફથી અને દેરાણી કાજલબેન કોંગ્રેસ તરફથી લડી રહ્યા છે. રાજકારણે પરિવારના સંપમાં ભલે ફાંટા પાડ્યા હોય, પણ હવે જોવાનું એ રહેશે કે મતદારો કોના પર પસંદગી ઉતારે છે.
કોંગ્રેસે દેરાણી કાજલબેનને તો ભાજપે જેઠાણી રેણુકાબેનને આપી ટિકિટ; રાજકારણના મેદાનમાં શરુ થયું ઘરનું ‘મહાભારત’… અમરેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 9 અત્યારે સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કારણ એ છે કે અહીં બે રાજકીય પક્ષોએ એક જ ઘરના બે સભ્યોને સામસામે મેદાનમાં ઉતાર્યા છે. સોલંકી પરિવારમાં હળીમળીને રહેતી દેરાણી અને જેઠાણી હવે એકબીજાની હાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે.
કોંગ્રેસના ‘પાંડવ’ અને ભાજપના ‘કૌરવ’?
કોંગ્રેસના ઉમેદવાર અને દેરાણી કાજલ સોલંકીએ ચૂંટણી પ્રચાર દરમિયાન સીધું મહાભારતનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, મેદાનમાં ભલે અમે સંબંધી હોઈએ પણ આ સત્ય અને અસત્યની લડાઈ છે. વાતવાતમાં તેમણે ભાજપને કૌરવોની પાર્ટી ગણાવી દીધી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ જંગમાં સત્યનો એટલે કે કોંગ્રેસનો જ વિજય થશે.
જેઠાણીનો વિકાસનો દાવો
બીજી તરફ, ભાજપના ઉમેદવાર અને જેઠાણી રેણુકાબેન સોલંકી પણ પાછળ નથી. તેઓ વોર્ડના વિકાસના કામોને લઈને મતદારો પાસે જઈ રહ્યા છે. રેણુકાબેનનું કહેવું છે કે રાજકીય મેદાનમાં ભલે તેઓ સામસામે હોય, પરંતુ પરિવારમાં કોઈ વિખવાદ નથી. જોકે, ચૂંટણી જીતવા માટે તેઓ કોઈ કસર છોડવા માંગતા નથી.
વોર્ડનો વિકાસ તો પાક્કો!
સ્થાનિક લોકોમાં પણ આ જંગ કુતૂહલનો વિષય બન્યો છે. દેરાણી જીતે કે જેઠાણી, આખરે તો સત્તા એક જ પરિવારમાં રહેવાની છે અને વોર્ડનો વિકાસ થવાનો છે તેવું ચર્ચાઈ રહ્યું છે. પરંતુ રાજકીય વિચારધારાની આ લડાઈમાં કોણ કોના પર હાવી થાય છે અને પરિવારનો કયો પક્ષ મજબૂત સાબિત થાય છે, તે તો પરિણામો જ કહેશે.
(ઈનપુટ ક્રેડિટ: જયદેવ કાઠી)