સપ્ટેમ્બર મહિનામાં કેવુ રહેશે હવામાન, વરસાદ આવશે કે રહેશે કોરુંકટ, જાણો અંબાલાલ પટેલની તદ્દન નવી આગાહી- Video
રાજ્યમાં ઓગસ્ટ મહિનો કોરોધાકોર રહ્યા બાદ બાદ હવે સપ્ટેમ્બર મહિનામાં પણ અલનીનોની ઘાતક અસર રહેવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એકદમ નવી આગાહી કરી છે. સપ્ટેમ્બર મહિનામાં વરસાદની સ્થિતિ શું રહેશે, વાતાવરણ કેવુ રહેશે તે અંગે અંબાલાલ પટેલે શું કહ્યુ- વાંચો
હાલ રાજ્યના ખેડૂતો સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ પડે તેવી આશા રાખી રહ્યા છે અને કાગડોળે વરસાદની રાહ પણ જોઈ રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં 17 ઓગસ્ટ થી લઈને 31 ઓગસ્ટ સુધી માઘ નક્ષત્ર ચાલી રહ્યુ હતુ અને આ નક્ષત્રનો વરસાદ ખેતીના પાક માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. પરંતુ મેઘરાજા જાણે રિસાયા હોય તેમ વરસ્યા જ નહીં અને માઘ નક્ષત્રમાં નહિવત્ વરસાદ રહ્યો.
હવે સપ્ટેમ્બર મહિનામાં હવામાનની સ્થિતિ શું રહેશે તેને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલની આગાહી અનુસાર 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના જૂદા જૂદા ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. પૂર્વ ગુજરાતના જિલ્લા વડોદરા, પંચહાલ અને અમદાવાદમાં વરસાદ પડી શકે છે. આ તરફ ઉત્તર ગુજરાતના ભાગો અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 6 થી 8 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ઝાપટા વધી શકે છે.
હાલ અલનીનો ની ઘાતક અસરને પરિણામે ઓગસ્ટ મહિનો કોરોકટ રહ્યો છે. હાલ ઉત્તર બંગાળ ઉપસાગરમાં જે સિસ્ટમ બની રહી છે તે પૂર્વ મધ્યપ્રદેશ થઈને ઉત્તર પૂર્વીય ભારત તરફ રહેવાની શક્યતા છે. તારીખ 10 થી 12 દરમિયાન બંગાળ ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનવાની શક્યતા છે. જેના લીધે 12 સપ્ટેમ્બર બાદ દક્ષિણ ભારતમાં વરસાદ પડી શકે છે.
અરબી સમુદ્ર સક્રિય થઈ શકે છે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. પર્યુષણ અને ગણેશ મહોત્સવ દરમિયાન અંબાજી સહિત ડુંગરાળ વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બરમાં ત્રીજા સપ્તાહમાં પણ વરસાદની શક્યતા રહેશે. વારંવાર બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થવાને કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદ આવી શકે છે.
Input Credit- Himanshu Patel- Gandhinagar

