Ahmedabad: વર્ષ 2036ની યજમાની કરી શકે છે ગુજરાત, ઓલિમ્પિક બીડ માટે સરકાર દ્વારા તડામાર તૈયારી, પ્રાઈવેટ કંપનીની કરાઈ રચના
Ahmedabad: વર્ષ 2036ની ઓલિમ્પિકની ગેઈમ્સની યજમાની માટે ભારત સરકાર અમદાવાદની પસંદગી કરી શકે છે. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મેનિફેસ્ટોમાં પણ અમદાવાદમાં ઓલિમ્પિકની સફળ બીડની યજમાની માટેનો ઉલ્લેખ કરાયો હતો. ત્યારે આ બીડ માટેની હવે રાજ્ય સરકારે તૈયારી શરૂ કરતા પ્રાઈવેટ કંપનીની રચના કરવામાં આવી છે.
Ahmedabad: 2036 ઓલિમ્પિકની બીડ માટે ગુજરાત સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરતાં પ્રાઇવેટ કંપનીની રચના કરવામાં આવી છે. ગુજરાત ઓલિમ્પિક પ્લાનિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની રચના કરી કંપનીમાં રાજ્યના શહેરી વિકાસ વિભાગ, અમદાવાદ મહાનગરપાલિકા કમિશનર અને ઔડાના અધિકારીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જે ઓલિમ્પિકને લઈ તૈયારીઓ કરી રહ્યું છે અને અમદાવાદ-ગાંધીનગરની 500 એકર જમીન ભાડા પર આપવા કે તેના પર બાંધકામ ના કરવા સૂચના અપાઈ છે.
2036 માં રાજ્યમાં વૈશ્વિક મહા ગેમ ઓલિમ્પિક રમાય તે માટેની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં એક કદમ આગળ વધતા રાજ્ય સરકારે ગુજરાત ઓલિમ્પિક પ્લાનિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ નામની પ્રાઇવેટ કંપની બનાવી છે. ઝડપથી નિર્ણય લઈ શકાય તે માટે આ કંપની બનાવાય છે જેની સપ્ટેમ્બર મહિનામાં પ્રથમ બેઠક મળશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને મોટેરાની 300 એકર તેમજ ગાંધીનગરના ભાટ સહિતની 220 એકર જગ્યાઓ ઓલમ્પિક વિલેજ અને સ્પોર્ટ્સ વિલેજ બનાવવા માટે પસંદ કરાઇ છે. જેને જ લઈ બંને જિલ્લાના કલેકટરને ત્યાંની 500 એકર જેટલી જમીન પર કોઈ પણ પ્રકારના બાંધકામ ના થાય એ માટેની સૂચના અપાઈ છે.
રાજકોટ, સુરત અને શિવરાજપુર બીચ પર પણ ઓલિમ્પિક ગેમ માટેનું આયોજન
ઓલિમ્પિક યોજવા માટે રાજ્યના 131 સ્થળોની ચકાસણી કરવામાં આવી હતી, જે પૈકી રાજ્યની 33 સાઈટ નક્કી કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં 22 સિંગલ સ્પોટ્સ અને 11 મલ્ટી સ્પોર્ટ્સના લોકેશન છે. અમદાવાદમાં 17 ગાંધીનગરમાં 6 અને બાકી ગુજરાતના અન્ય સ્થળોની સાઈટ પર ઓલમ્પિક રમાડવાનું આયોજન હોવાનું સામે આવ્યું છે. જેમાં સુરત અને રાજકોટમાં પણ કેટલીક ઓલમ્પિક ગેમ રમાય એ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે. તો આ સિવાય દરિયાઈ ગેમ માટે શિવરાજપુર બીચનો સર્વે કરાઈ રહ્યો છે તેમ જ ટ્રાયથલોન ગેમ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પોળોના જંગલના પર્વતોનો પણ સર્વે કરાઈ રહ્યો છે.