Ahmedabad Breaking News : અમદાવાદમાં પાર્કિંગ થશે મોંઘું, ટુ-વ્હીલરથી ફોર-વ્હીલરના પાર્કિંગ ચાર્જમાં 20 થી 25% સુધીનો વધારો ! જુઓ Video
અમદાવાદમાં વાહન પાર્કિંગ કરવું હવે મોંઘું બની શકે છે. AMC એ ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલરના પાર્કિંગ ચાર્જમાં 20થી 25 ટકા સુધીનો વધારો કરવાની દરખાસ્ત મંજૂર કરી છે. જાણો નવા દર ક્યારે લાગુ થશે અને કયા પાર્કિંગ પર પડશે અસર.
અમદાવાદના વાહનચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં હવે વાહન પાર્ક કરવું મોંઘું બની શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વાહનોના પાર્કિંગ ચાર્જમાં 20થી 25 ટકા સુધીનો વધારો કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. શહેરમાં છેલ્લા 10 વર્ષથી પાર્કિંગના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. હવે ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલરના પાર્કિંગ ચાર્જમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. ઓફ-સ્ટ્રીટ અને મલ્ટીલેવલ પાર્કિંગના નવા દર પણ નક્કી કરવામાં આવ્યા છે.
અલગ-અલગ ઝોન અને વિસ્તાર પ્રમાણે નક્કી કરવામાં આવશે દર
ખાસ વાત એ છે કે નવા પાર્કિંગ ચાર્જ અલગ-અલગ ઝોન અને વિસ્તાર પ્રમાણે નક્કી કરવામાં આવ્યા છે. ટાઉન પ્લાનિંગ કમિટીમાં દરખાસ્તને મંજૂરી મળી ગઈ છે. હવે આ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી અને ત્યારબાદ મ્યુનિસિપલ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. બોર્ડની મંજૂરી મળ્યા બાદ જ નવા પાર્કિંગ દર અમલમાં આવશે.