Ahmedabad Breaking: વાઇબ્રન્ટ નવરાત્રિમાં લાઈનોમાંથી મુક્તિ માટે નિર્ણય,ઓનલાઈન ટોકનથી સીધી એન્ટ્રી મેળવી શકશે, હર્ષ સંઘવીની સ્પષ્ટતા
અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાતા વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં પાસ સિસ્ટમના વિવાદ પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે આ પાસ નહીં પરંતુ ₹100-200 નો નજીવો ટોકન દર છે, જેથી સામાન્ય નાગરિકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા વગર સરળતાથી ઓનલાઇન એન્ટ્રી મેળવી શકે.
અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત ભવ્ય ‘વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ’માં પ્રવેશ માટે પાસ સિસ્ટમ લાગુ કરવાના વિવાદ પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વની સ્પષ્ટતા કરી છે. સોશિયલ મીડિયામાં મહોત્સવ માટે ખિસ્સા ખાલી કરવા પડશે તેવા દાવાઓ સામે તેમણે જણાવ્યું કે આ કોઈ મોંઘા પાસ નથી, પરંતુ સુવ્યવસ્થિત સંચાલન માટે ટોકન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, માત્ર ₹100 અને ₹200 ના સામાન્ય દરે ઓનલાઇન ટોકન ઉપલબ્ધ કરાવાશે. સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો તેમજ ખેલૈયાઓએ ગરબા જોવા માટે ગેટ પર કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા ન રહેવું પડે અને તેઓ ઘરેબેઠા સીધી એન્ટ્રી બુક કરાવી શકે તે હેતુથી આ આયોજન કરાયું છે.
કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો અંગે તેમણે વળતો પ્રહાર કરતાં કહ્યું કે, વિપક્ષના નેતાઓએ સરકારની સમગ્ર નીતિ અને માહિતી વાંચ્યા વિના જ લોકોમાં ખોટો ભ્રમ ફેલાવવાનું કામ શરૂ કર્યું છે. સરકાર ટૂંક સમયમાં સમગ્ર વ્યવસ્થા અંગે તમામ સત્તાવાર માહિતી જાહેર કરશે.
