વિધાનસભાના સત્ર પહેલા કામકાજ સમિતિની બેઠક મળશે, મુખ્યપ્રધાન અને વિપક્ષનેતા બેઠકમાં ભાગ લેશે

આ બેઠકમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી ભાગ લેશે. આ બેઠકમાં આગામી 27 અને 28 સપ્ટેમ્બરે મળનાર ગુજરાત વિધાનસભાના સત્રના કામકાજને આખરી ઓપ આપવામાં આવશે.

GANDHINAGAR : આગામી 27 અને 28 સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનું સત્ર મળવા જઈ રહ્યું છે ત્યારે વિધાનસભાના આ સત્ર પહેલા કામકાજ સમિતિની બેઠક મળશે. આ બેઠક ગુજરાત વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ દુષ્યંત પટેલના અધ્યક્ષસ્થાને યોજાશે. આ બેઠકમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી ભાગ લેશે. આ બેઠકમાં આગામી 27 અને 28 સપ્ટેમ્બરે મળનાર ગુજરાત વિધાનસભાના સત્રના કામકાજને આખરી ઓપ આપવામાં આવશે.

મળતી માહિતી મૂજબ વિધાનસભાના સત્રના પ્રથમ દિવસ 18 જેટલી શોકાંજલિ રજૂ કરવામાં આવશે અને બે દિવસના સત્ર દરમિયાન ચાર સરકારી વિધેયક ગૃહમાં પસાર કરવામાં આવશે.

બે દિવસના આ સત્રમાં રાજ્યમાં અતિવૃષ્ટિ સામે વળતર, કોરોના મૃતકોના પરિજનોને રાજ્ય તરફથી સહાય કે વળતર, શિક્ષણ જગતને લગતા પ્રશ્નો,પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ, બેરોજગારી, સરકારી નોકરીની ભરતી સહીતના મુદ્દે ચર્ચા કરવામાં આવી શકે છે. તો આ સત્રમાં નવી સરકારને ઘેરવા વિપક્ષ પણ સજ્જ થયું છે.

ઉલ્લખનીય છે કે ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં આ પ્રથમ સત્ર હશે જે મહિલા સ્પીકરની અધ્યક્ષતામાં મળશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષપદની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. નીમાબેન આચાર્યએ પૂર્વ વિધાનસભા અધ્યક્ષ અને હાલ રાજ્યના કેબીનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનું હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે. પરંપરા અનુસાર વિપક્ષ પોતાનો કોઈ ઉમેદવાર અધ્યક્ષપદ માટે નહી ઉભો રાખે, આથી નીમાબેન આચાર્ય નિર્વિરોધ વિધાનસભાન્બા અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવશે એ નક્કી છે.

આ પણ વાંચો : ત્રીજી લહેરની વાતો વચ્ચે ICMRના સર્વેમાં મોટો ખુલાસો, 75 ટકા એન્ટિબોડી સાથે ગુજરાત દેશભરમાં ચોથા ક્રમે

આ પણ વાંચો : AHMEDABAD : ફરજિયાત રસીકરણના કારણે AMCને રોજનું 5 થી 7 લાખ રૂપિયાનું નુકસાન

Click on your DTH Provider to Add TV9 Gujarati