Ahmedabad: રાણીપમાં બિલ્ડીંગના બેઝમેન્ટમાં પાર્ક કરેલી કારમાંથી મોટીમાત્રામાં દારૂ ઝડપાવાની ઘટના, જુઓ Video
અમદાવાદના રાણીપના આર્વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝાના બેઝમેન્ટમાં પાર્ક કરેલી કારમાંથી દારૂની બોટલો ઝડપાઇ છે. ક્રાઇમ બ્રાંચની ટીમે 97 હજારની કિંમતની 771 દારૂની બોટલો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી.
રાજ્યમાં દારૂબંધીને લઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જોકે સૌથી મોટો પ્રશ્ન એ છે કે રાજ્યમાં દારૂબંધી છે ? તેનો અમલ થાય છે ખરૂ ? આ સવાલો ચોક્કસ આશ્ચર્ય પમાડે તેવા છે, પરંતુ આ એક નરી વાસ્તવિકતા પણ છે. અમદાવાદમાં આવી ઘટના સામે આવી છે. ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે રાણીપના આર્વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝાના બેઝમેન્ટમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન પાર્ક કરેલી કારમાંથી એક, બે નહીં 60થી વધુ પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. એટલે કે કુલ 97 હજારની કિંમતની 771 દારૂની બોટલો મળી આવી હતી. આ તમામ જથ્થો ક્રાઇમ બ્રાંચે જપ્ત કર્યો હતો. પોલીસે અંકિત પરમાર તથા કેસરીસિંહ રાજપૂત નામના ઇસમોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી અંકિત રીઢો ગુનેગાર છે. અને તેની સામે 10થી વધુ ગુનો નોંધાઇ ચૂક્યા છે.
આ પણ વાંચો : ગરબાડાના માતવા ગામે પરિણીતાનો આપઘાત કરેલી હાલતમાં મળ્યો મૃતદેહ, જુઓ Video
પાર્કિગમાંથી દારૂ મળવાની આ કોઇ પ્રથમ ઘટના નથી પરંતુ અગાઉ અમદાવાદ કોર્પોરેશન સંચાલિત નવરંગપુરા વિસ્તારમાં આવેલા મલ્ટિલેવલ પાર્કિંગમાંથી મોટાપાયે દારૂનો જથ્થો ઝડપાયો હતો. તે સમયે ક્રાઈમ બ્રાન્ચના દરોડામાં 918 દારૂની બોટલ અને 96 બીયરના ટીન મળીને 1.33 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આમ માત્ર 10 જ દિવસના સમયગાળામાં પાર્કિંગમાંથી દારૂનો જથ્થો મળી આવવાની બે ઘટનાએ પોલીસની કામગીરી પર સવાલો સર્જયા છે. અહીં સવાલ એ પણ સર્જાય કે પાર્કિંગનો ઉપયોગ કાર પાર્કિંગ માટે કે પછી દારૂના વેપાર માટે?
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો