Gujarati Video : MS યુનિવર્સિટીમાં નોકરીની લાલચ આપી ઠગાઇ કેસમાં વિવિધ શહેરોના કુલ 15 લોકો છેતરાયા હોવાનું સામે આવ્યું
અલગ અલગ પોસ્ટ માટે અરજી મંગાવીને મન ફાવે તેટલા રૂપિયા ખર્ચી ઠગાઇનો શિકાર બનેલી મહિલાએ ફરિયાદ નોંધાવતાં 15 લોકો સાથે નોકરી આપવા બાબતે ઠગાઇ થયાનું સામે આવ્યું છે.
વડોદરામાં નોકરીની લાલચે ફરી એકવાર કરોડોની ઠગાઇ થઈ છે. એક બે નહીં, પણ 15 લોકો પાસેથી ઠગબાજોએ રૂપિયા 1 કરોડ 67 લાખ પડાવ્યા છે. ઠગબાજોએ નોકરી વાંચ્છુકોને પ્રખ્યાત એમ.એસ. યુનિવર્સિટીમાં નોકરીની લાલચ આપી અને અલગ અલગ પોસ્ટ માટે અરજી મંગાવીને મન ફાવે તેટલા રૂપિયા ખર્ચી ઠગાઇનો શિકાર બનેલી અમદાવાદની કિંજલ પટેલ નામની મહિલાએ અમદાવાદમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તથ્ય જણાતા વડોદરાના સયાજીગંજ પોલીસ મથકે અરજી ટ્રાન્સફર કરવામાં આવી. જ્યાં તપાસમાં ખુલાસો થયો કે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત રાજ્યના વિવિધ શહેરોના કુલ 15 લોકો સાથે ઠગાઇ થઇ છે.
ક્લાર્ક બનવા 16 લાખ રૂપિયા આપીને નોકરીના સપના
આ ઘટના અંગે જાણીને આશ્ચર્ય એટલા માટે થશે કારણ કે પટાવાળા, ક્લાર્ક સહિતની પોસ્ટ માટે ઠગબાજોએ રસ્તા પર ભરતી પરીક્ષા યોજી હતી અને નોકરીની લ્હાયમાં આંધળા બનેલા લોકોએ પરીક્ષા તો આપી, સાથે જ ઠગબાજોને લોકોએ લાખો રૂપિયા આપી દીધા હોવાનું પણ જણાયું હતું.
કોઈક પાસે 11 લાખ, તો કોઇએ 12 લાખ, તો કોઇએ ક્લાર્ક બનવા 16 લાખ રૂપિયા આપીને નોકરીના સપના જોયા હતા. પરંતુ આ સપના સાકાર થાય તે પહેલા જ ઠગબાજો ચૂનો ચોપડીને ફરાર થઇ ગયા. ત્યારે કોઇ મોટા કૌભાંડની ગંધને પગલે સમગ્ર મામલો વડોદરા ક્રાઇમ બ્રાંચને સોંપ્યો છે.
આ પણ વાંચો : પોલીસ કેમ્પમાં MLAના ભાઇ હરેન્દ્રસિંહ ઝાલાની ફાયરિંગ પ્રેક્ટિસ મામલે તપાસ તેજ, 6 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હોવાનું ખુલ્યુ
મહત્વપૂર્ણ છે કે ફરિયાદીએ શૈલેષ સોલંકી, રાહુલ પટેલ અને મનીષ કટારા વિરૂદ્ધ ઠગાઇનો આરોપ લગાવાયો છે. આ ત્રણેય ઇસમોએ નોકરી અપાવવાના બહાને કિંજલ પટેલ પાસેથી રૂપિયા 11 લાખ રૂપિયા સહિત અલગ અલગ ઉમેદવારો પાસેથી 1.67 કરોડ પડાવ્યા હતા. આરોપીઓએ એમ.એસ.યુનિવર્સિટીના નામના લેટર પેડ પર ખોટા જોબ ઓફર લેટર અને ઓર્ડર બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પોલીસ તપાસમાં વધુ કયો નવો ખુલાસો થાય છે તે જોવું રહ્યું.
(વિથ ઇનપુટ-યુનુસ ગાઝી, વડોદરા)
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…