MONEY9: નાની કાર વેચાતી નથી અને મોટી કાર મળતી નથી !

કાર માર્કેટે લીધો ઓચિંતો વળાંક. રસ્તા પર ઘટવા લાગી નાની કારની સંખ્યા. મોટી કારના ખરીદદારોની લાગી છે લાંબી લાઈન. કાર માર્કેટની આવી પરિસ્થિતિ કેવી રીતે સર્જાઈ?

Money9 Gujarati

| Edited By: Bhavesh Bhatti

May 12, 2022 | 5:35 PM

MONEY9: કોવિડ (COVID) મહામારી બાદ કાર માર્કેટ (CAR MARKET)ની ગાડી આડે પાટે ચઢી ગઈ છે. રસ્તાઓ પર નાની કાર (SMALL CAR)ની સંખ્યા ઘટવા લાગી છે. તો મોટી કાર ખરીદવા માટે લાંબો વેઈટિંગ પીરિયડ છે.  કાર માર્કેટમાં આ પરિસ્થિતિ કેવી રીતે ઊભી થઈ તે સમજવું હોય તો, વધારે દૂર જવાની જરૂર નથી, કારણ કે, 2018-19થી જ આફતના મંડાણ થયા હતા. તે સમયે, માર્કેટમાં સ્મોલ કારનો હિસ્સો 26 ટકા હતો, જે ગયા વર્ષે ઘટીને સીધો 10 ટકા થઈ ગયો, હા…ભાઈ..! માત્ર 10 ટકા… 

સ્મોલ કાર એટલે, જેની કિંમત પાંચ લાખ રૂપિયા કરતા ઓછી હોય. આવી કાર કોણ ખરીદતું હતું? જે લોકો ટુ-વ્હીલર ચલાવતાં-ચલાવતાં કારની સવારી કરવાનું સપનું જોતાં હતાં તે જ તો હતા સ્મોલ કારના ખરીદદાર..! તેઓ આ સપનું પૂરું કરવા માટે બોનસ મળવાની કે એફડી પાકવાની રાહ જોઈ રહ્યાં હતા, કારણ કે, તેનાથી તો ડાઉન પેમેન્ટ ભરીને કાર ખરીદવાની હતી. પણ કાળમુખા કોવિડે તેમની કેડ ભાંગી નાખી અને માત્ર કમાણી જ નહીં, પણ કાર ખરીદવાનું સપનું પણ ચકનાચૂર કરી નાખ્યું. હવે, આ ગ્રાહકો શોરૂમમાં ત્યારે જ પાછા ફરશે જ્યારે કોવિડની વારંવાર આવતી લહેરોનો ડર દૂર થશે. નોકરી ગુમાવવાનો ભય નહીં રહે અને જ્યારે કમરતોડ મોંઘવારી તેમને ફરી બેઠા થવાની તક આપશે. 

આટલી અડચણો દૂર થવાની આશા પૂરી થાય તેની પહેલાં તો, કારના ભાવ વધી ગયા. એટલે આ સંભવિત ગ્રાહકો માટે કાર ખરીદવાનું સપનું પૂરું કરવાનું કામ અઘરું થઈ ગયું છે. રશિયા-યુક્રેન યુદ્ધને પગલે બેઝ મેટલ અને ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા, પરિણામે વાહન બનાવતી કંપનીઓની ઈનપુટ કોસ્ટ વધી ગઈ અને આથી, કંપનીઓએ કારના ભાવ વધારી દીધા. ભારતની સૌથી મોટી કંપની મારુતિએ ચાલુ વર્ષે 3 વખત ભાવ વધાર્યા છે. જાન્યુઆરી 2021થી માર્ચ 2022ની વચ્ચે મારુતિની ગાડીઓ 8.8 ટકા સુધી મોંઘી થઈ ગઈ છે. 

કાર માર્કેટની દશા તો કોવિડ ત્રાટક્યો તેની પહેલાંથી જ બેઠેલી હતી. વર્ષ 2019-20માં કુલ કાર વેચાઈ 27,73,519, 2018-19માં આ આંકડો હતો 33,77,389 એટલે કે કન્ઝ્યુમરનો કોન્ફિડન્સ તો કોવિડની પહેલાંથી જ ડગમગી રહ્યો હતો..પરંતુ સરકાર આ મંદીને ઓલા, ઉબરની આડમાં છુપાવતી રહી.

વાત આટલે અટકતી નથી કારણ કે, નરી આંખે જોયેલા તાજા દાખલા પણ આપણી સામે છે કારના શોરૂમોમાં મહિનાઓ લાંબા વેઈટિંગ લિસ્ટના પાટિયા લટકી રહ્યાં છે. XUV700 માટે તો દોઢ વર્ષનું વેઈટિંગ છે. કિયાની કારેન્સ (Carens) માટે વર્ષનું, તો થાર ખરીદવા માટે 8 મહિનાનો અને ક્રેટા ખરીદવા માટે 9 મહિનાનો વેઈટિંગ પીરિયડ છે. 

તેના માટે બધી કંપનીઓ પાસે એક જ કારણ છે, ચિપની અછત. ચિપ નથી, એટલે કંપનીઓ પૂરી ક્ષમતા સાથે ઉત્પાદન કરી શકતી નથી. ચિપનો પ્રોબ્લેમ સોલ્વ થવામાં હજુ એકાદ વર્ષનો સમય લાગી શકે છે.

નાની કાર ખરીદનારાની સંખ્યા હજુ પણ ઓછી છે પણ 10 લાખ રૂપિયાથી વધુ કિંમતની કારની માગ સારી છે. આ સેગમેન્ટનો હિસ્સો છેલ્લાં બે વર્ષમાં 5 ટકાથી વધીને 11 ટકા થઈ ગયો છે. આ સેગમેન્ટમાં હ્યુન્ડેઈને પાછળ છોડીને ટાટા મોટર્સ આગળ નીકળી ગઈ છે. ટોચના ક્રમે ટાટાની નેક્સોન છે અને સૌથી વધુ વેચાતી ટોપ-ફાઈવ કારમાંથી બે કાર તો ટાટાની જ છે. એક છે નેક્સોન અને બીજી છે પંચ. વેન્યુ અને ક્રેટા ધીમે-ધીમે નીચેના ક્રમે સરકી ગઈ છે.

સ્મોલ કારના વેચાણ પર અસર પડવાથી સ્મોલ કાર સેગમેન્ટની નં.-1 કંપની મારુતિને સૌથી વધુ નુકસાન થયું છે. નાણાકીય વર્ષ 2019માં કાર માર્કેટમાં મારુતિનો બજાર હિસ્સો 51 ટકાથી પણ વધારે હતો, જે 2022માં ઘટીને લગભગ 43 ટકા થઈ ગયો છે.

સરળ શબ્દોમાં સમજવું હોય તો, કહી શકાય કે, એન્ટ્રી લેવલ કાર ખરીદનારાની સંખ્યા ઓછી છે. જ્યારે 10 લાખ રૂપિયાથી વધુ કિંમતની કાર ખરીદવાવાળાને કાર મળતી નથી. આમ, છેલ્લાં 3 વર્ષે કાર માર્કેટને દાઝ્યા પર એક નહીં પણ અનેક ડામ આપ્યા છે. કોરોના, મોંઘો કાચો માલ, વધતી કિંમત, ચીપની અછત, એક પછી એક અડચણ કાર માર્કેટની ગતિ અવરોધી રહ્યાં છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati