Breaking News : સાવધાન અમદાવાદ! તમારી થાળીમાં નકલી પનીર તો નથી ને? 10 હોટેલમાંથી ઝડપાયુ નકલી પનીર, જુઓ Video

| Updated on: Feb 24, 2026 | 11:23 AM

અમદાવાદમાં ફૂડ વિભાગે જાણીતી 10 હોટલોમાં નકલી પનીર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન 173 કિલો નકલી પનીર અને અન્ય અખાદ્ય સામગ્રી જપ્ત કરાઈ. પનીરના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયા જેમાં વનસ્પતિ તેલ અને ઓછા ફેટવાળા દૂધનો ઉપયોગ થયો હતો. તંત્ર દ્વારા લાખોનો દંડ પણ વસૂલાયો છે.

અમદાવાદના સ્વાદપ્રેમીઓ માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરની જાણીતી હોટલોમાં પીરસાતું પનીર હકીકતમાં “નકલી” હોવાની હકીકત બહાર આવતા ફૂડ વિભાગે કડક પગલાં ભર્યા છે. Ahmedabad Municipal Corporation (AMC)ના ફૂડ વિભાગે શહેરની 10 પ્રખ્યાત હોટલો અને રેસ્ટોરન્ટ્સ પર અચાનક દરોડા પાડી નકલી પનીર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

તપાસ દરમિયાન લેવાયેલા સેમ્પલ લેબોરેટરીમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયા. તપાસમાં ખુલ્યું કે પનીર બનાવવામાં શુદ્ધ દૂધની જગ્યાએ વનસ્પતિ તેલ અને ઓછા ફેટવાળા દૂધનો ઉપયોગ થતો હતો. સ્વાદમાં સરખું લાગતું આ પનીર આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે તેવું નિષ્ણાતોનું માનવું છે.

આ જાણીતી રેસ્ટોરેન્ટમાંથી ઝડપાયુ નકલી પનીર

કાર્યવાહીમાં Barbeque Nation, The Leo Pizza, Real Paprika અને પીઝાર્ટે સહિતના રેસ્ટોરન્ટ્સનો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન કુલ 173 કિલો નકલી પનીર જપ્ત કરવામાં આવ્યું, સાથે અન્ય અખાદ્ય પદાર્થો સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ.

ફૂડ વિભાગે આ 10 રેસ્ટોરન્ટ્સ પાસેથી 97 હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં કુલ 6,72,000 રૂપિયાનો દંડ ફટકારાયો છે, જ્યારે 823 કિલોગ્રામ અને 878 લિટર અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. દૂધથી બનેલી વસ્તુઓના 495 સેમ્પલ વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે ગ્રાહકોના આરોગ્ય સાથે કોઇ સમજૂતી નહીં થાય. શહેરવાસીઓએ પણ ખાદ્ય વસ્તુઓની ગુણવત્તા અંગે જાગૃત રહેવાની જરૂર છે. સ્વાદ સાથે સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ છે અને હવે અમદાવાદમાં ખોરાકની શુદ્ધતા અંગે તંત્ર વધુ સજાગ બની ગયું છે.

Plant In Pot : સફેદ મૂળા ભૂલી જાઓ! હવે તમારા બગીચામાં ઉગાડો આ ખાસ ‘ગુલાબી મૂળા’ આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો