Breaking News: અમદાવાદમાં રાજકીય ઈતિહાસ સર્જાયો, ખાડિયામાં ભાજપનું કમળ કરમાયું – જુઓ Video
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્યાં એકતરફ ભારતીય જનતા પાર્ટીએ તમામ મહાનગરપાલિકાઓમાં ક્લીન સ્વીપ કરીને ભવ્ય વિજય મેળવ્યો છે, ત્યાં બીજી તરફ અમદાવાદના ઐતિહાસિક ખાડિયા વોર્ડમાં ભાજપને મોટો આંચકો લાગ્યો છે.
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્યાં એકતરફ ભારતીય જનતા પાર્ટીએ તમામ મહાનગરપાલિકાઓમાં ક્લીન સ્વીપ કરીને ભવ્ય વિજય મેળવ્યો છે, ત્યાં બીજી તરફ અમદાવાદના ઐતિહાસિક ખાડિયા વોર્ડમાં ભાજપને મોટો આંચકો લાગ્યો છે. ભાજપનો ગઢ ગણાતા ખાડિયામાં 70 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ભાજપની આખેઆખી પેનલનો પરાજય થયો છે અને કોંગ્રેસે અહીં ભવ્ય જીત નોંધાવી છે.
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ભલે મહાનગરોમાં ક્લીન સ્વીપ કરી હોય પરંતુ પક્ષના ગઢ ગણાતા ખાડિયા વોર્ડમાં 70 વર્ષે આવેલો ઉલટફેર ભારે ચર્ચા જગાવી રહ્યો છે. જનસંઘના સમયથી ભાજપની વિચારધારાનું કેન્દ્ર ગણાતા આ વિસ્તારમાં ભાજપની આખેઆખી પેનલની કારમી હાર થઈ છે અને કોંગ્રેસે ઐતિહાસિક વિજય મેળવ્યો છે.
ભાજપનો 70 વર્ષનો દબદબો ખતમ
જણાવી દઈએ કે, છેલ્લા 70 વર્ષથી ખાડિયા વિસ્તારમાં ભાજપનો દબદબો હતો પણ આ વખતે કોંગ્રેસે આખી પેનલ જીતીને ભાજપને મોટો ઝટકો આપ્યો છે. આ હાર પાછળ કેટલાક ખાસ કારણો માનવામાં આવે છે. સૌથી પહેલું કારણ પક્ષમાં જોવા મળેલો પરિવારવાદ છે, જેનો કાર્યકરોએ ભારે વિરોધ કર્યો હતો. બીજું કારણ એ છે કે, ખાડિયાના જૂના હેરીટેજ મકાનો તોડીને જે રીતે ગેરકાયદે બાંધકામ અને વ્યાપારીકરણ થયું, તેનાથી સ્થાનિક લોકોમાં રોષ હતો. આ ગેરકાયદે બાંધકામોને લીધે ટ્રાફિક અને બીજી સમસ્યાઓ પણ વધી હતી.
ચૂંટણી પ્રચારમાં ‘પાકિસ્તાન’ જેવા મુદ્દાઓ ઉછાળીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં હતો પણ લોકોએ આ વાતોને નકારીને સ્થાનિક પ્રશ્નો પર ધ્યાન આપ્યું. ભાજપ માટે આખા શહેરમાં જીત છતાં ખાડિયા જેવી ઐતિહાસિક બેઠક ગુમાવવી એ આંચકાજનક છે. હવે પાર્ટી આ હાર પર વિચાર કરશે કે, ક્યાં ભૂલ થઈ અને ફરીથી લોકોનો વિશ્વાસ જીતવા પ્રયત્ન કરશે.
કોંગ્રેસના ધારાસભ્યનું મોટું નિવેદન
ખાડિયા વોર્ડમાં કોંગ્રેસની ઐતિહાસિક જીત બાદ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે ભાજપના ગઢમાં મેળવેલી જીતને રાષ્ટ્રીય સ્તરના મુદ્દા સાથે જોડતા અનેક પ્રહારો કર્યા છે.
ઇમરાન ખેડાવાલાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, “ખાડિયા વોર્ડની જીત એ પાકિસ્તાનની હાર અને ભારતની જીત છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, છેલ્લા 55 વર્ષથી જે ખાડિયા ભાજપનો અજેય ગઢ ગણાતો હતો, તેને આજે કોંગ્રેસ પક્ષે તોડી પાડ્યો છે.
